સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અડાજણ સરદાર બ્રિજ નીચે આવેલા પાર્કિંગમાંથી એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની પ્રોફાઈલ તપાસતા તે માત્ર 20 વર્ષનો દીપ હરેશભાઇ ડોબરીયા છે, જે હાલ ઈ/502, આગમન રેસીડેન્સી, વી.આઈ.પી. સર્કલ પાસે, મોટાવરાછા, ઉત્રાણ, સુરત ખાતે રહે છે અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામનો વતની છે. આરોપી લક્ઝુરિયસ ગાડીઓ ભાડે મેળવીને બારોબાર સગેવગે કરવાનો મોટો નેટવર્ક ચલાવતો હતો.
ક્રાઈમ બ્રાંચે તેની પાસેથી કુલ રૂ. 25 લાખની કિંમતની બે મોંઘીદાટ કાર જપ્ત કરી છે. જેમાં એક સફેદ કલરની કિયા સેલ્ટોસ (જેની નંબર પ્લેટની જગ્યાએ ‘સ્ટેટ ઓફ રામાધણી’ લખેલું હતું) અને બીજી સફેદ કલરની અર્ટિગા કારનો સમાવેશ થાય છે. આ બંને વાહનો કોઈપણ નંબર પ્લેટ વગર ગેરકાયદે ફેરવવામાં આવી રહ્યા હતા.
અમરોલીમાં કાર માલિક સાથે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આરોપી દીપ ડોબરીયાની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં તે અગાઉના ગુનાઓમાં નાસતો ફરતો હતો. ગત તારીખ 9 ડિસેમ્બર 2025ના રોજ તેણે અમરોલી સુરત ખાતે રહેતા ફરિયાદી સચીન નરસીભાઇ રાઠોડની માલિકીની સફેદ કલરની અર્ટિગા કાર (નંબર GJ-04-EJ-7621) 11 મહિનાના ભાડા કરાર પર મેળવી હતી. આરોપીએ માત્ર એક જ મહિનાનું ભાડું ચૂકવ્યું હતું અને ત્યારબાદ ગાડી કે બાકીનું ભાડું આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
જ્યારે ફરિયાદીએ પોતાના હકના પૈસા અને ગાડીની માગણી કરી, ત્યારે આરોપીએ અત્યંત ક્રૂરતા દાખવી ફરિયાદીને ધમકી આપી હતી કે, “જો હવે પછી ભાડા માટે ફોન કર્યો કે આજુબાજુમાં ક્યાંય દેખાયા તો જીવતા નહીં છોડું.” આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 316(2) અને 351(3) મુજબ વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો હતો.

