રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક આવતીકાલ ધનતેરસનાં પવિત્ર પર્વે યોજાનાર છે. જેમાં દિવાળી પર્વને અનુલક્ષીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા રાજકોટવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આ બેઠકમાં અલગ-અલગ 43 જેટલી મહત્વની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, જેમાં સ્માર્ટ સિટીમાં આધુનિક ફાયર સ્ટેશન બનાવવું, સફાઈ અને વેક્યુમ સ્વેપિંગ મશીન ખરીદવા તેમજ ઓમ પાર્ક મેઈન રોડ અને કોઠારીયા મેઈન રોડ પર રણુંજા મંદિર પાસે નવા બ્રિજ બનાવવાના કામોના કોન્ટ્રાક્ટ આપવા સહિતનાં મુદ્દે નિર્ણય કરવામાં આવશે.
બેઠકમાં રજૂ થયેલી મુખ્ય દરખાસ્તો
- સ્માર્ટ સિટીમાં ફાયર સ્ટેશન: વોર્ડ નં. 1 માં સ્માર્ટ સિટી વિસ્તાર અંતર્ગત ટી.પી.સ્કીમ નં. 32 (રૈયા), એફ.પી.નં. 81 ના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર હેતુના પ્લોટમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.
- સફાઈ અને વેક્યુમ સ્વીપિંગ મશીન: મુખ્ય માર્ગોની રાત્રિ દરમિયાન સફાઈ માટે રોકાયેલા ટ્રક માઉન્ટેડ મિકેનીકલ પાવર રોડ વેક્યુમ સ્વીપિંગ મશીન નંગ 12 ના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે 3 વર્ષના સમયગાળા માટે રૂ. 11 કરોડના ખર્ચે રેટ કોન્ટ્રાક્ટ કરવાની દરખાસ્ત પુનઃ મોકલવામાં આવી છે.
- સખી મંડળ અને મિત્ર મંડળની ગ્રાન્ટમાં વધારો: મનપાનાં જુદા-જુદા વોર્ડમાં સફાઈ કામગીરી સાથે જોડાયેલા સખી મંડળો અને મિત્ર મંડળોના સભ્યોની વ્યક્તિગત ગ્રાન્ટમાં મોટો વધારો કરાયો છે. જેમાં પ્રતિ સભ્ય દીઠ દૈનિક રૂ. 180 ની ગ્રાન્ટ વધારીને હવે રૂ. 250 પ્રતિ દિન કરવામાં આવશે.

