ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા, ઉના શહેરમાં પોલીસે મેગા કોમ્બિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. એલ.સી.બી., એસ.ઓ.જી. અને ઉના પોલીસની સંયુક્ત ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે કાર્યવાહી કરીને કુલ 21 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પ્રોહિબીશન, હથિયાર ધારા અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ વિવિધ કેસ નોંધવામાં આવ્યા છે.
ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, નવનિયુક્ત ઉના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઇ. જાડેજા અને ગીર સોમનાથ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકાની આગેવાનીમાં આ મેગા કોમ્બિંગ યોજાયું હતું. પોલીસની અલગ-અલગ ટીમોએ બુટલેગરો, સક્રિય ગુનેગારો, માથાભારે ઇસમો અને હિસ્ટ્રીશીટરો પર ખાસ નજર રાખી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન, પ્રોહિબીશન ધારા હેઠળ કુલ 11 કેસ નોંધાયા હતા, જેમાં રૂ. 45,041નો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હથિયાર ધારા અને જી.પી. એક્ટની કલમ-135 હેઠળ 10 કેસ નોંધવામાં આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાફિક નિયમોના અમલ માટે પણ પોલીસે વિશેષ ડ્રાઇવ ચલાવી હતી. મોટર વાહન અધિનિયમ (M.V. Act)ની કલમ-207 હેઠળ 6 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 25 કેસ નોંધીને સ્થળ પર જ રૂ. 10,100નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

