Gujarat

ભાચા ગામના ગઢ વિસ્તારમાંથી નર દીપડો પાંજરે પુરાયો

ઉના તાલુકાના ભાચા ગામના ગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળતી હતી. આના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ હતો. દીપડો રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતો હોવાથી લોકો વાડીમાં જવા અને રાત્રિના સમયે બહાર નીકળવામાં ડર અનુભવતા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

જસાધાર વન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઢ વિસ્તારમાં ત્રણથી ચાર દિવસ પહેલા પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે બચુ ભગા બારીયાના ઘર નજીક એક નર દીપડો પાંજરામાં ફસાયો હતો. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

દીપડો પકડાયાની જાણ થતાં જ જસાધાર વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જરૂરી કાર્યવાહી બાદ દીપડાને સુરક્ષિત રીતે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યાં તેનું તબીબી પરીક્ષણ કરાશે અને ત્યારબાદ વન વિભાગની માર્ગદર્શિકા મુજબ તેને સલામત રીતે જંગલમાં છોડવામાં આવશે.

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર વારંવાર જોવા મળે છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા રહે છે. વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.