જામનગર, ધ્રોલ અને આસપાસના વિસ્તારના હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુવિધા માટે જામનગરથી ગાંધીનગર વહેલી સવારે સીધી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ સાથે બ્રહ્મદેવ સમાજના મીડિયા કન્વીનર અશ્વિન બી. આશા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં જામનગરથી ગાંધીનગર ઓફિસ સમય પહેલાં પહોંચી શકાય તેવી એક પણ સીધી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને ખાનગી વાહનો પર આધાર રાખવો પડે છે. જેના કારણે સમય, નાણાં અને ઇંધણનો બેફામ વ્યય થાય છે.
રજૂઆતમાં જણાવાયું છે કે જામનગરથી સવારે 5:00 કલાકે ઉપડીને વાયા ધ્રોલ, રાજકોટ, લીમડી, સરખેજ, ઇસ્કોન થઈ ગાંધીનગર પહોંચે તેવી તથા સાંજે 5:30 કલાકે ગાંધીનગરથી પરત જામનગર આવે તેવી સીધી બસ સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે.

બ્રહ્મદેવ સમાજના મીડિયા કન્વીનર અશ્વિનભાઈ આશાએ જણાવ્યું કે, “આ બસ સેવા શરૂ થવાથી હજારો મુસાફરોને મોટી રાહત થશે. સાથે જ માનનીય પ્રધાનમંત્રીશ્રીના ‘ઇંધણ બચાવો’ અભિયાનને પણ વેગ મળશે, કારણ કે લોકો ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા થશે.”
આ રજૂઆતની નકલ વાહન વ્યવહાર મંત્રીશ્રી, GSRTCના વિભાગીય નિયામકશ્રી, કાલાવડના ધારાસભ્યશ્રી, જામનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ તથા જામનગરના સંસદસભ્યશ્રીને પણ મોકલવામાં આવી છે,

