જામનગર મહાનગરપાલિકાએ આજે સવારે સજુબા સ્કૂલથી દરબારગઢ સુધી જાહેર રસ્તાઓ પરના દબાણો અને ન્યૂસન્સ દૂર કરવા ઝુંબેશ હાથ ધરી હતી. શાક માર્કેટ વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના કમિશનર કેડિયાની સૂચનાથી આસિસ્ટન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ અને એસ્ટેટ શાખાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. જાહેર રસ્તા અને તેની આસપાસ કરાયેલા દબાણો દૂર કરાયા હતા.

ઝુંબેશ દરમિયાન કેટલોક સામાન ટ્રેક્ટરમાં લઈ જઈ મનપાની કચેરીમાં જમા કરાવ્યો હતો. ન્યૂસન્સ ફેલાવવા બદલ સોલિડ વેસ્ટ શાખાની ટીમે સ્થળ પર દંડ પણ વસૂલ્યો હતો. મનપા શહેરના મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારો અને જાહેર સ્થળોએ અવરજવર સરળ બનાવવા તથા ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા સમયાંતરે આવી ઝુંબેશ ચલાવે છે.

