Gujarat

રાજકોટ ૧૧મે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ યુવાનો ટેક્નિકલ શિક્ષણ થકી બની રહ્યા છે આત્મનિર્ભર.

રાજકોટ ૧૧મે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ યુવાનો ટેક્નિકલ શિક્ષણ થકી બની રહ્યા છે આત્મનિર્ભર.

ભારતમાં દર વર્ષે ૧૧મી મેના રોજ ‘રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીના ક્ષેત્રે થયેલી પ્રગતિનું પ્રતીક છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી વગરના જીવનની કલ્પના કરવી અશક્ય છે, ત્યારે ટેક્નિકલ કૌશલ્ય પ્રાપ્ત કરીને નવી પેઢી રાષ્ટ્રના નિર્માણમાં પાયાનું યોગદાન આપી રહી છે. રાજકોટ જિલ્લામાં આઇ.ટી.આઇ. (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) આ દિશામાં મહત્વનું માધ્યમ બનીને ઉભરી આવી છે. રાજકોટ જિલ્લામાં ટેક્નિકલ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ સાચા અર્થમાં ટેક્નોલોજી દિવસની ઉજવણીને સાર્થક કરે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજકોટના આચાર્ય કે.બી.પટેલે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૫-‘૨૬ દરમિયાન જિલ્લાની વિવિધ આઇ.ટી.આઇ.માં કુલ.૩૭૨૮ તાલીમાર્થીઓ કૌશલ્યવર્ધન તાલીમ લઈ રહ્યા છે. જેમાંથી આશરે ૨૩૦૦ જેટલા યુવાનો ટેક્નિકલ શિક્ષણ મેળવીને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર થઈ રહ્યા છે. આ તાલીમાર્થીઓ જ આવતીકાલના કુશળ કારીગરો અને એન્જિનિયરો બનીને ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. વિવિધ સેક્ટરમાં રોજગારીની તકો ઉભી કરવા માટે રાજકોટ જિલ્લાની આઇ.ટી.આઇ.માં કુલ.૪૬ પ્રકારના વ્યવસાયલક્ષી કોર્સ ચલાવવામાં આવે છે. આ પૈકી ૩૧ કોર્સ ટેક્નિકલ છે, જેમાં મિકેનિક મોટર વ્હીકલ, ઈલેક્ટ્રિક વ્હીકલ મિકેનિક, સોલર ટેક્નિશિયન, સી.એન.સી. મશીનિંગ, કોમ્પ્યુટર હાર્ડવેર, ઈલેક્ટ્રોનિક્સ અને સિવિલ સર્વેયર જેવા આધુનિક કોર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બ્યુટી, એડમિનિસ્ટ્રેશન, ગારમેન્ટ, હેલ્થકેર અને સર્વિસ સેક્ટરના નોન-ટેક્નિકલ કોર્સ પણ યુવાઓને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ.૧૮ જેટલી આઇ.ટી.આઇ. કાર્યરત છે, જેમાં રાજકોટ શહેર, જસદણ, મહિલા આઇ.ટી.આઇ., પડધરી, જામનગર રોડ, કોટડાસાંગાણી, ગોંડલ, લોધિકા, ધોરાજી, ઉપલેટા અને જેતપુર ખાતે ૧૪ સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જેતપુર, ડુમિયાણી અને ભૂતવડ ખાતે ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ તેમજ વિહાન એજ્યુકેશન જેવી સેલ્ફ-ફાઈનાન્સ સંસ્થાઓ પણ તાલીમ આપી રહી છે. અગત્યની વાત એ છે કે, પ્રવેશ સત્ર-૨૦૨૬ માટેની પ્રક્રિયા હવે વેગ પકડશે અને આગામી દિવસોથી જ એડમિશન ફોર્મ ભરવાનું શરૂ થશે, જે વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક છે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની આ સંસ્થાઓ ટેક્નોલોજીના પ્રસારમાં મહત્વની કડી સાબિત થઇ રહી છે. અહીં તાલીમાર્થીઓને અદ્યતન ટુલ્સ, ઈક્વિપમેન્ટસ અને મશીનરી સાથે ગવર્નમેન્ટ ક્વોલીફાઈડ ઇન્સ્ટ્રકટર દ્વારા તાલીમ અપાય છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને માત્ર ડિગ્રી જ નહીં પરંતુ ‘હેન્ડ્સ-ઓન’ એક્સપિરિયન્સ પૂરો પાડવાનો છે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને DGET દિલ્હી દ્વારા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત NCVT પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે વિદેશમાં પણ નોકરી માટે માન્ય ગણાય છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260510-WA0036-1.jpg IMG-20260510-WA0037-0.jpg