Gujarat

વડોદરાવાસીઓને 4 મહિના બાદ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે

વડોદરા શહેરના માથે આગામી સમયમાં પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે, આ વર્ષે ઓછા વરસાદના કારણે આજવા સરોવરનું નિર્ધારિત લેવલ જળવાઈ શક્યું નથી તેના હાલ તો પૂરતા દબાણ સાથે પાણી મળી રહ્યું છે, પરંતુ જો હજુ વરસાદ ન પડે તો આગામી સમયમાં પાણીની કટોકટી સર્જાય અથવા તો મહાનગરપાલિકાએ પાણી ખરીદવું પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

212 ફૂટનું લેવલ ન જળવાયું પ્રવર્તમાન ચોમાસામાં ઓછો વરસાદ નોંધાવાને કારણે આજવા સરોવરનું નિર્ધારિત 212 ફૂટનું વોટર લેવલ જળવાઈ શક્યું નથી. વર્તમાન સમયમાં આજવા સરોવરની પાણીની સપાટી 209.50 ફૂટે પહોંચી છે, જેના પગલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે સતર્ક બન્યું છે. પાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સરોવરની સપાટી 205 ફૂટ સુધી રહે ત્યાં સુધી વડોદરા શહેરના નાગરિકોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.

ત્રણ-ચાર મહિના બાદ ચિંતા વધી શકે છે આ લેવલના કારણે આવનારા ત્રણથી ચાર મહિના સુધી શહેરીજનો માટે પાણીની કોઈ મોટી ચિંતા રહેતી નથી, જે સ્થાનિકો માટે રાહતના સમાચાર છે. જોકે, આગામી સમયમાં સરોવરનું લેવલ વધુ ઘટે તો પણ સપ્લાય ખોરવાય નહીં તે માટે પાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે સરોવરની સપાટી ઘટે છે, ત્યારે ગ્રેવિટીથી પાણી મેળવવામાં ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ મુશ્કેલીના નિવારણ અર્થે અને ગ્રેવિટી ફ્લોથી રાઉન્ડ ધ ક્લોક યોગ્ય પ્રેશર સાથે પાણી મળતું રહે તે હેતુથી આવનારા દિવસોમાં પંપ તથા પોન્ટુન સિસ્ટમનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.