Gujarat

ગોધરા જેલના પ્રયાસોથી ગરીબ કેદીને 6 મહિને મુક્તિ મળી

ગોધરા સબ જેલ પ્રશાસનના પ્રયાસોથી પશુ ધારાના ગુનામાં સંડોવાયેલા કાચા કામના બંદીવાન અરવિંદ મણીલાલ નાયકને ૬ મહિના બાદ જેલમુક્ત કરવામાં આવ્યા છે. એક સંસ્થા દ્વારા રૂપિયા ૩૦ હજારની આર્થિક મદદ મળતા તેઓ જામીન પર છૂટી શક્યા. અરવિંદ નાયક ગત ૨ જાન્યુઆરી, ૨૦૨૬થી પશુ ધારા હેઠળ ગોધરા સબ જેલમાં બંધ હતા. તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી અને તેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા, જેમના ત્રણ નાના બાળકો છે. ગરીબીના કારણે તેઓ ખાનગી વકીલ રાખી શક્યા ન હતા.

ગોધરા સબ જેલ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સરકારી રાહે મફત કાનૂની સહાય હેઠળ સરકારી વકીલ ફાળવ્યા હતા. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી. જોકે, કોર્ટની શરતો મુજબ રૂપિયા ૩૦ હજાર રોકડા જમા કરાવવા અનિવાર્ય હતા. આરોપીના સગા-વહાલા કે મિત્રો આ રકમ ભરવા તૈયાર ન થતાં જેલ પ્રશાસન અને ડી.એલ.એસ.એ. દ્વારા જામીનની રકમ ભરવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા.

આરોપીની સામાજિક, આર્થિક અને પારિવારિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસને એક સ્થાનિક NGOનો સંપર્ક કર્યો હતો. આ NGO દ્વારા જામીનની રૂપિયા ૩૦ હજારની રકમની વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકારી વકીલ મારફતે નામદાર કોર્ટની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને અરવિંદ નાયકને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. જેલમાંથી મુક્ત થતા તેમણે જેલ પ્રશાસન, કાનૂની સંસ્થા અને NGOનો આભાર વ્યક્ત કર્યો હતો.