Gujarat

સૌરાષ્ટ્ર યુનિ.નું નવું ઓડિટોરિયમ, લાઇબ્રેરી, મનપાના 253 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શિક્ષણમંત્રી-કૃષિમંત્રીની ઉપસ્થિતિ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.2 ઓગસ્ટના રવિવારે રાજકોટ આવવાના છે ત્યારે તેમના હસ્તે રૂ.272.26 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 252.16 કરોડના કામોનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20.10 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

યુનિવર્સિટીમાં રાજકોટના બીજા સૌથી મોટા ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી ખુદ અહીં પધારી રહ્યા છે અહીં આ ઓડિટોરિયમની કેપેસિટી 934 સીટની છે. CMના તમામ કાર્યક્રમો રવિવારે બપોર બાદના છે. તેમની સાથે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા અને કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાનો છે.

રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, તા.2 ઓગસ્ટના રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ટેન્ટેટિવ કાર્યક્રમ છે. જેમાં સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી પૂજિત રૂપાણી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ સાંજે 6થી 7 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઓડિટોરિયમ હોલ ખાતેથી ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. થોરાળાના 67 ખેડૂતોનો 50 વર્ષ જૂનો પ્રશ્ન દૂર થયો છે.

આ ખેડૂતોને 7-12ના જમીનના હક્કપત્રોનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વહીવટી તંત્રના અભિયાન “સ્વચ્છ હાથ, પોષણ સાથ” નું લોન્ચિંગ કરવામાં આવનાર છે. જે બાદ સાંજે 7.15 થી 7.45 વાગ્યા દરમિયાન મવડીના ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાનારી રાજકોટ બિલ્ડર એસોસિયેશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ઉપસ્થિત રહેશે.