Gujarat

જામનગરમાં PGVCLની લોક અદાલતમાં 705 કેસનું સમાધાન

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ની જામનગર સર્કલ કચેરી દ્વારા યોજાયેલી લોક અદાલતમાં વીજ બિલ અને વીજ વસૂલાતને લગતા કુલ 705 કેસોનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું છે. પરસ્પર સંમતિથી હાથ ધરાયેલી આ ઝુંબેશમાં કરોડો રૂપિયાના વીજ લેણાંના પ્રશ્નોનો સુખદ નિકાલ આવ્યો હતો, જેનાથી ગ્રાહકોને લાંબી કોર્ટ કાર્યવાહીમાંથી મોટી રાહત મળી છે.

પ્રી-લિટિગેશન કેસોમાં રૂ. 61.76 લાખની વસૂલાત આ લોક અદાલતમાં કુલ 665 પ્રી-લિટિગેશન કેસો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસોમાં કુલ રૂ. 182.33 લાખની રકમ સંકળાયેલી હતી. જેમાંથી તંત્ર અને ગ્રાહકો વચ્ચે રૂ. 117.78 લાખની રકમમાં સમાધાન સધાયું હતું અને રૂ. 61.76 લાખની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવી હતી.

લિટિગેશન કેસોનો પણ લાવ્યા નિકાલ અદાલતમાં પેન્ડિંગ હોય તેવા 40 લિટિગેશન કેસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. રૂ. 30.80 લાખની કુલ રકમ ધરાવતા આ કેસો પૈકી રૂ. 23.69 લાખમાં આખરી સમાધાન થયું હતું અને રૂ. 13.71 લાખની રકમની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી હતી.

કુલ રૂ. 75.47 લાખની સ્થળ પર વસૂલાત સમગ્ર જામનગર સર્કલ હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 705 કેસોમાં સંકળાયેલી રૂ. 213.13 લાખની રકમ સામે રૂ. 141.47 લાખમાં સમાધાન સધાયું હતું. જે પૈકી કુલ રૂ. 75.47 લાખની વસૂલાત રોકડેથી સ્થળ પર જ કરવામાં આવી હતી. લોક અદાલતના આ સફળ આયોજનથી PGVCL ની બાકી લેણી રકમની વસૂલાતમાં ઝડપી પ્રગતિ નોંધાઈ છે.