જામનગરમાં લેન્ડ રેકોર્ડઝ (જમીન દફતર) વિભાગના કર્મચારીઓ છેલ્લા 19 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં સમગ્ર મહેસૂલી વહીવટ ખોરવાઈ ગયો છે. હડતાળના કારણે જમીન માપણી, બિન-ખેતી (NA), પ્લોટિંગ, સનદ મેળવવી અને ખેતીની જમીનની ખરીદ-વેચાણ સંબંધિત હજારો અરજીઓ અટવાઈ પડી છે.
19 દિવસથી ચાલતી આ હડતાળના કારણે દસ્તાવેજ નોંધણી (રજિસ્ટ્રેશન) અને લોન મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી ગઈ છે. પરિણામે, સરકારને દરરોજ મળતી લાખો-કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીની મહેસૂલી આવક ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
બીજી તરફ, બેંકોમાંથી ધિરાણ (લોન) પાસ ન થવાના કારણે બિલ્ડરોના પ્રોજેક્ટ્સ અટકી ગયા છે અને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોના મોટા આર્થિક વ્યવહારો ફસાઈ ગયા છે. હડતાળ જેટલી વધુ ખેંચાશે, પેન્ડિંગ કામગીરીનો ખડકલો એટલો જ વધશે અને હડતાળ સમેટાશે તોપણ આ તમામ અટકેલી અરજીઓનો નિકાલ કરતા સરકારી તંત્રને મહિનાઓ નીકળી જશે.

