ઉપલેટા PGVCLના ત્રણ કર્મચારીઓએ હિમાલયની આશરે 15 હજાર ફૂટ ઊંચાઈએ આવેલા પવિત્ર હેમકુંડ સાહિબ તથા વિશ્વપ્રસિદ્ધ ફૂલોની ખીણ ખાતે યોજાયેલા ટ્રેકિંગમાં ભાગ લઈને સાહસિકતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુથ હોસ્ટેલ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ટ્રેકિંગ કાર્યક્રમમાં PGVCLના કર્મચારીઓ હિતેશ સુવા, વિશાલ સોજીત્રા અને નિલેશ ભટ્ટીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારમાં પડકારજનક હવામાન, કઠિન પહાડી માર્ગો અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે ત્રણેય કર્મચારીઓએ ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું. આ સાહસિક સફર દરમિયાન તેમણે હેમકુંડ સાહિબના ધાર્મિક સ્થળની મુલાકાત સાથે ફૂલોની ખીણની કુદરતી સુંદરતાનો પણ અનુભવ કર્યો હતો. ગુજરાતથી હિમાલય સુધીની આ સાહસિક યાત્રામાં ભાગ લઈને કર્મચારીઓએ શારીરિક તેમજ માનસિક ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. તેમની આ સિદ્ધિ બદલ ધોરાજી અને ઉપલેટા PGVCLના અધિકારીઓ, સહકર્મચારીઓ તથા પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

