Gujarat

સુરત સાયબર ક્રાઈમ સેલે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સાથે જાેડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો

૧.૫૨ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં આંતરરાષ્ટ્રીય રેકેટના મુખ્ય સૂત્રધારને સુરત સાયબર ક્રાઈમ સેલે ખંભાળિયાથી ઝડપી પાડ્યો

સુરત સાયબર ક્રાઈમ સેલને એક મોટી સફળતા મળી છે જેમાં, ૧.૫૨ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ બેન્ક એકાઉન્ટ્સમાંથી ઉપાડી, તેને ક્રિપ્ટોકરન્સી USDT કન્વર્ટ કરીને કંબોડિયા સ્થિત આકાઓને મોકલનારા મુખ્ય આરોપી રિયાઝની પોલીસે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી ધરપકડ કરી છે.

આ સમગ્ર કેસની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઈમે અગાઉ મિનેશકુમાર સોલંકી, અનિલ ગુપ્તા અને વિકાસ ભદોરીયા નામના ત્રણ મ્યુલ ખાતાધારકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં મુંબઈના રિયાઝનું નામ સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન રિયાઝ મુંબઈથી ભાગીને ખંભાળિયામાં છુપાયો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીના આધારે સાયબર ક્રાઈમની ટીમે કાર્યવાહી કરી રિયાઝને ઝડપી લીધો હતો. કેસમાં તેને મદદ કરનારા અન્ય બે મુખ્ય આરોપીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં રેકેટની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આરોપીઓ મ્યુલ બેન્ક એકાઉન્ટ ધારકોને પહેલા જયપુર લઈ જતા હતા. ત્યારબાદ તેમને મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં આશરે ત્રણ દિવસ સુધી રાખવામાં આવતા હતા.

આ દરમિયાન તેમના બેન્ક ખાતાઓમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડથી મેળવેલા લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ખાતામાં રકમ આવ્યા બાદ આરોપીઓ આગળની પ્રક્રિયા હાથ ધરતા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, મ્યુલ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા બાદ રિયાઝ બેન્ક ખાતામાંથી રકમ રોકડમાં ઉપાડતો હતો. ત્યારબાદ આ રકમને ક્રિપ્ટોકરન્સી USDT કન્વર્ટ કરવામાં આવતી હતી અને આખરે કંબોડિયામાં બેઠેલા કથિત આકાઓ સુધી મોકલવામાં આવતી હતી.

ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મ્યુલ ખાતાધારકોને પરત મોકલી દેવામાં આવતા હતા.

આ કેસમાં અત્યાર સુધીની તપાસથી સાયબર ફ્રોડનું નેટવર્ક માત્ર ગુજરાત કે મુંબઈ પૂરતું સીમિત ન હોવાનું સામે આવ્યું છે. ફ્રોડની રકમને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી વિદેશમાં મોકલવામાં આવતી હોવાના કારણે સમગ્ર મામલાની તપાસ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે.

હાલ સુરત સાયબર ક્રાઈમ સેલે રિયાઝની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે આ રેકેટના અન્ય આરોપીઓ, કંબોડિયામાં બેઠેલા કથિત આકાઓ અને નાણાંની હેરફેરની સમગ્ર ચેઇન સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી રહી છે.