જામનગરના પ્રદર્શન મેદાન ખાતે શ્રાવણ વદ પાંચમથી અમાસ સુધી, એટલે કે 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પરંપરાગત શ્રાવણી મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ 1 ઓગસ્ટથી કુલ 43 પ્લોટના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આ પ્લોટ માટે ભાવ મંગાવવામાં આવ્યા છે.
મેળા માટે કુલ 43 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં મોટી મશીન રાઈડના 6, ચિલ્ડ્રન રાઈડના 8, આઈસ્ક્રીમના 2, રમકડાના 6, મીની રાઈડના 7, ફૂડના 7 તથા પોપકોર્નના 7 પ્લોટનો સમાવેશ થાય છે.
મશીન મનોરંજનના 6 પ્લોટ અને આઈસ્ક્રીમના 2 પ્લોટ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવશે, જેમાં અરજદારો 1 થી 12 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. બાકીના તમામ પ્લોટ માટે બંધ કવરમાં ઓફલાઈન ટેન્ડરો સ્વીકારવામાં આવશે. આ તમામ ટેન્ડરો 13 ઓગસ્ટે સવારે 10 વાગ્યે ટાઉન હોલ ખાતે ખોલવામાં આવશે. ઓનલાઈન ટેન્ડરો પણ તે જ દિવસે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા ખુલ્લા મુકવામાં આવશે.
ટેન્ડર પ્રક્રિયા વહેલી શરૂ કરવાથી અરજદારોને પોતાની રાઈડ અને સ્ટોલ ગોઠવવા, વિવિધ વિભાગોની મંજૂરી મેળવવા તેમજ ફિટનેસ ટેસ્ટિંગ સહિતની કામગીરી માટે પૂરતો સમય મળશે.
ગત વર્ષે શ્રાવણી મેળાના પ્લોટ ફાળવણીથી મહાનગરપાલિકાને રૂપિયા 5 કરોડથી વધુ આવક થઈ હતી. આ વર્ષે પણ તંત્રને પાંચ કરોડથી વધુ આવક થવાની અપેક્ષા છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેળા માટે સીસીટીવી કેમેરા, કામચલાઉ વીજ કનેક્શન, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને મેદાનનું લેવલિંગ સહિતની અન્ય તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

