રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત પ્રખ્યાત વક્તા જયા કિશોરીજીની ‘સનાતન યુવાકથા’નું 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી (Gen-Z)ને નાસ્તિકતા અને વ્યસનોથી દૂર રાખી સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારો તરફ વાળવાનો છે. આ કથામાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને પગલે તંત્ર અને આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
યુવાકથા સમિતિના વિજય વાંકે જણાવ્યું કે, કથાને સફળ બનાવવા માટે 119 સભ્યોની ટીમ છેલ્લા ચાર મહિનાથી તૈયારીઓ કરી રહી હતી. કથા મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 6:00થી રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યક્રમો યોજાશે, જ્યારે મુખ્ય કથા અને આરતીનો સમય સાંજે 7:30થી રાત્રે 11:00 વાગ્યા સુધીનો રહેશે. જયા કિશોરીજીની અનોખી વાણી અને શૈલી યુવાનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
વોટરપ્રૂફ ડોમ અને સુરક્ષા વ્યવસ્થા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને 25,000થી 30,000 લોકો બેસી શકે તેવો વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર મહોત્સવ દરમિયાન 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ લાભ લેશે તેવો અંદાજ છે. ભક્તો માટે 8 વિશાળ એલઈડી સ્ક્રીન, સુરક્ષા માટે 50થી વધુ સીસીટીવી કેમેરા, ભીડમાં કોઈ છૂટું પડી જાય તો તેના માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ રૂમ, હેલ્પ ડેસ્ક અને માહિતી કેન્દ્રની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.

