Gujarat

કૌટુંબિક ઝઘડાના કારણે ટ્રેનમાં બેસીને નિકળી ગયેલી મહિલા મધ્યપ્રદેશથી જામનગરમાં પહોંચી

મધ્યપ્રદેશમાં કૌટુંબિક ઝઘડાઓના કારણે કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને જામનગર શહેરમાં પહોંચેલી પીડિતાને મહિલા અને બાળ અધિકારીની કચેરી અને સખી વન સ્ટોપ સેન્ટર અને 181 હેલ્પલાઈનના સંયુક્ત પ્રયાોસોથી પુન: પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જામનગર શહેરમાં એક મહિલાને મદદની જરૂર હોય તેવો સેવાભાવીના આવેલા કોલથી 181 મહિલા હેલ્પલાઈન દ્વારા એક પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી તેમનું સાંત્વનાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મહિલા મૂળ મધ્યપ્રદેશના વતની છે અને કૌટુમ્બિક ઝઘડાના કારણે કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને જામનગર આવી પહોંચ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ સઘન પ્રયાસો હાથ ધરી મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. પરિવારજનો જામનગર ખાતે આવી પહોંચતા મહિલાને સહીસલામત રીતે તેમને સોંપવામાં આવ્યા હતા.