Gujarat

જામનગરમાં જી.જી. હોસ્પિટલ સામે બે યુવાનો પર હુમલો

આ ઘટના ત્યારે બની જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરી રહ્યા હતા અને સમગ્ર શહેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હતું. પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા છતાં અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા, જેનાથી લોકોમાં ભયનો માહોલ છે.

પ્રાથમિક વિગતો અનુસાર, શહેરના ક્રિસ્ટલ મોલ પાસે યુવાનોના એક જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક યુવાન ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને તેના મિત્રો સારવાર માટે જી.જી. હોસ્પિટલ લઈ ગયા હતા.

ઘાયલ મિત્રની સારવાર કરાવ્યા બાદ તેના મિત્રો હોસ્પિટલની બહાર આવેલી એક હોટલ પર ચા-પાણી પીવા ઊભા હતા. તે સમયે, રાત્રિના આશરે ત્રણ વાગ્યાની આસપાસ, પૂર્વનિયોજિત કાવતરાની જેમ ‘બિચુ ગેંગ’ના સાત શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા અને બે યુવાનો પર ધોકા તથા પાઇપ વડે હુમલો કર્યો.

આ અચાનક થયેલા હુમલાને કારણે રોડ પર અફડાતફડી મચી ગઈ હતી. જી.જી. હોસ્પિટલ સામે થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં હુમલાખોરોનો આતંક સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.