ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં શિપબ્રેકર સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. કંપનીના સેલ્સ મેનેજર સહિત અન્ય 3 શખસો દ્વારા ખોટી કિંમત દર્શાવી માલ વેચાણ કરવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે આ બનાવમાં મુંબઈના રહેવાસી એક આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
અલંગ મરીન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં શિપબ્રેકર સંજયભાઈ પ્રતાપરાય મેહતાએ તા. 25 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, અમારી કંપનીના સેલ્સ મેનેજર હકાભાઈ વાજા તથા રૂવાબઅલી સુવાલે શેખે કંપનીમાં રહેલા ક્રેઇન વજન 12.756 ટન તથા 9.56 ટન, જે એક કિલોની કિ.રૂ. 52:55 ના ભાવથી કુલ રૂ. 11,71,296 માં મુન્નાભાઈ ભગવાનભાઈ દિહોરા રહે. ત્રાપજ ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલવાળા પાસે ખરીદ કરાવી, મુન્નાભાઇ દિહોરાએ તેની અલંગ આયર્ન એન્ડ સ્ટીલ નામની કંપનીમાં આ માલ રૂ. 105 માં ખરીદી, રાકેશ રાજીવ રંજન, મુંબઇના રહેવાસી, હસ્તક રૂ. 165 ના ભાવથી મુંબઈ ખાતેની કંપનીને વેચાણ કરાવ્યું હતું.
અંદાજે એકાદ માસમાં, ફરિયાદીની કંપનીમાં સેલ્સ મેનેજર હકાભાઈ વાજા તથા રૂવાબઅલી સુવાલે શેખે અમારી કંપનીમાં રહેલ કેબલમાં ખરેખર 5 કિલોએ એક કિલો કોપર નીકળે, તેના બદલે 8 કિલો કેબલમાં 1 કિલો કોપર દર્શાવી, માલ ઓછી ગુણવત્તાવાળો દર્શાવી કેબલ વજન 18 ટન, કિ.રૂ. 80 ના ભાવથી રૂવાબઅલી શેખ પાસે ખરીદ કરાવી. બંનેએ આર્થિક લાભ મેળવ્યો.
આમ, કંપની સાથે સેલ્સ મેનેજર હકુભાઈ વાજા, રુવાબઅલી સુવાલે શેખ, મુન્નાભાઈ દિહોરા અને મુંબઈનો રહેવાસી રાકેશ રાજીવ રંજન તમામ માણસોએ મેળાપીપણું કરી, પૂર્વઆયોજીત ગુનાહિત કાવતરું રચી, ખરેખર માલની કિંમત કરતાં ઓછી કિંમતે માલ ખરીદ-વેચાણ કરી, કરાવી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યા અંગેની અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

