Gujarat

પંચમહાલમાં 13 વર્ષથી વોન્ટેડ બે આરોપી પણ પકડાયા, મહારાષ્ટ્ર પોલીસને સોંપાયા

પંચમહાલના ગોધરામાં એલસીબી અને એસઓજી પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરીને ચોરીની બાઈક સાથે એક શખ્સને પકડ્યો. મહારાષ્ટ્રમાં ચોરીના બે ગુનામાં 13 વર્ષથી વોન્ટેડ બે આરોપી પણ ઝડપાયા છે. એલસીબી પોલીસે બાતમીના આધારે ગોધરાના સાયન્સ કોલેજ રોડ પાસે વોચ ગોઠવી હતી. ત્યાં નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર પ્રો બાઈક સાથે હર્ષ ભીખાભાઈ ચૌધરી મળ્યો હતો. બાઈકની માલિકીના પુરાવા ન આપી શકતાં પોલીસે તપાસ કરી હતી.

તપાસમાં હર્ષે 20 ઑક્ટોબર, 2026ની રાત્રે ગોધરાના નારી કેન્દ્ર પાસેની ગોકુલધામ સોસાયટીમાંથી બાઈક ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ₹15,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીનો ગુનો ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

બીજી કાર્યવાહી દરમિયાન ગોધરા એસઓજીની ટીમ કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે પોલીસે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સુરેશ ઉર્ફે સુર્યા શનાભાઈ નાયક અને કમલેશ ઉર્ફે કમલા દાજીભાઈ બારીઆને પકડ્યા હતા.

સુરેશ માલવણ, તાલુકો કાલોલનો રહેવાસી છે, જ્યારે કમલેશ કડાદરા, તાલુકો મોરવા-હડફનો રહેવાસી છે. બંને છત્રપતિ સંભાજીનગરના બીડકીન પોલીસ સ્ટેશનમાં 2013 અને 2014માં નોંધાયેલા ચોરીના બે ગુનામાં વોન્ટેડ હતા. પોલીસે બંનેને આગળની કાર્યવાહી માટે મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યા છે.