જૂનાગઢના શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે સિઝનની આગોતરી કેસર કેરીની આકર્ષક આવક નોંધાઈ છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામના ખેડૂત જૂનાગઢ યાર્ડમાં વેચાણ માટે કેસર કેરી લઈને આવ્યા હતા. વચગાળાની સાઈઝની આ કેસર કેરી પ્રતિ કિલો 180 રૂપિયાથી લઈને 230 રૂપિયા સુધીના ઊંચા ભાવે વેચાઈ હતી.
માર્કેટિંગ યાર્ડમાં આગોતરી કેસર કેરીની આવક થઈ જૂનાગઢ બજાર સમિતિના શાકભાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે આગોતરી કેસર કેરીની આવક થઈ હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ તરફના વિસ્તારમાં દર વર્ષે આગોતરી કેરીનો પાક થતો હોવાથી ત્યાંના ખેડૂતોની કેરી દર વર્ષે યાર્ડમાં વહેલી આવે છે.
ગઈકાલે પોરબંદર યાર્ડમાં પણ બોક્સમાં કેરીની આવક થઈ હતી. જ્યારે જૂનાગઢ યાર્ડમાં ખેડૂત 3 કિલોના એક એવા 7 થી 8 ઝબલા એટલે કે અંદાજે 20 થી 25 કિલો કેસર કેરી લઈને આવ્યા હતા. જૂનાગઢ યાર્ડમાં આવેલી આ કેરી ખાખડીથી મોટી અને મોટી કેરીથી નાની એટલે કે વચગાળાની સાઈઝની હતી.

