Gujarat

મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં બાળ મજૂરી કરાવતા બે ઈસમો ઝડપાયા

સુરત શહેર ક્રાઈમ બ્રાંચના ‘એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ’ સેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં સગીર બાળકો પાસે ગેરકાયદેસર બાળ મજૂરી કરાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રિંગ રોડ પર આવેલા મિલેનિયમ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સાડીઓની દુકાનો પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો.

15 થી 17 વર્ષના 3 સગીરો મુક્ત આ રેડ દરમિયાન 15 થી 17 વર્ષની ઉંમરના કુલ 3 સગીર વયના બાળકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ યુસુફ બાદશાહ પટેલ (દુકાન નં. D/1149-50)એક બાળક પાસે અને ચિંતામણી લુટન મંડલ (દુકાન નં. E-1195) બે બાળકો પાસે સવારના 10:30 વાગ્યાથી લઈને રાત્રિના 10:00 વાગ્યા સુધી લાંબી મજૂરી કરાવતા હતા. આ સગીરોને બદલામાં માત્ર એક દિવસના 250 રૂપિયા જેટલું અત્યંત ઓછું મહેનતાણું આપવામાં આવતું હતું.

આરોપીઓ સામે ગુનો નોંધી બાળકોને બાળ આશ્રમ હવાલે કરાયા બાળકો પાસે જોખમી અને લાંબો સમય કામ કરાવનાર બંને ઈસમો વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ-2015 ની કલમ 79 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યુ કરાયેલા સગીરોને વધુ કાઉન્સેલિંગ માટે કતારગામ સ્થિત વી.આર. પોપાવાલા બાળ આશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે પકડાયેલા બંને આરોપીઓને વધુ તપાસ અર્થે સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરાઈ છે.