Gujarat

બનાસકાંઠામાં બે ગેરકાયદેસર બંદૂક ઝડપાઈ

બનાસકાંઠા SOG શાખાએ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. કુંભલમેર ચાર રસ્તા પાસેથી એક MG હેક્ટર ગાડીમાંથી ગેરકાયદેસર બે બંદૂક અને 35 કારતૂસ સાથે કુલ 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ ગેરકાયદેસર હથિયારો સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી.

આ સૂચનાના આધારે, પાલનપુર SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ, પો.સબ.ઇન્સ જે.જે. સરવૈયા (SOG) અને પો.સબ.ઇન્સ આર.બી. જાડેજા (LCB) તથા તેમના સ્ટાફના માણસો ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે કુંભાસણ-કુંભલમેર ચાર રસ્તા પાસે MH-47-AU-0117 નંબરની MG હેક્ટર ગાડી આવવાની છે, જેમાં ગેરકાયદેસર હથિયારો હોવાની શક્યતા છે.