પાલિતાણા અને તળાજા વિસ્તારમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ અને સમયસર કામગીરી ફરી એકવાર મદદગાર સાબિત થઈ છે. ઘરેલુ હેરાનગતિનો સામનો કરતી બે પરિણીત મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા રાહત અપાઈ, જ્યારે ઘર છોડીને નીકળી ગયેલી એક વૃદ્ધાનું સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.
આ ત્રણેય બનાવોમાં 181 ટીમે કાનૂની સમજણ સાથે માનવતાનો સ્પર્શ આપી સમસ્યાઓનો ઉકેલ લાવી પિડીતાઓને હેરાન કરનાર લોકોને કાયદાકીય ભાન કરાવ્યું હતું.
પરિણીતાને સાસરિયાંઓ સાથે સમાધાન કરાવી આશરો અપાવ્યો કિસ્સો 1 | પાલિતાણાના સિહોર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને સાસરીયામાં વારંવાર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. નાની નાની બાબતોને લઈને ઝગડા થતા હતા અને પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે મહિલા માનસિક તણાવમાં આવી ગઈ હતી.
પીડિતાના જણાવ્યા મુજબ, સસરા દ્વારા તેમના પર હાથ ઉઠાવવાનો પ્રયત્ન થતો હતો તેમજ પતિ પણ તેમની વાતને યોગ્ય રીતે સાંભળતા નહોતા.

