Gujarat

બે શખ્સોએ લાકડીથી હેડ કોન્સ્ટેબલ અને GRD જવાન પર હુમલો

ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર અમરગઢ ગામના બે શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પોલીસે શંકાસ્પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાના કુટુંબીને લાકડી સાથે બોલાવી હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન પર હુમલો કરી ફરજ રુકાવટ કરતા સમગ્ર મામલે હેડ કોન્સ્ટેબલે બંને શખ્સ સામે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

શંકાસ્પદ શખ્સની પૂછપરછ કરતા ઉશ્કેરાયા હતા સોનગઢ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રવજીભાઈ કાઠીયા ઉ.વ 36એ સોનગઢ પોલીસ મથકમાં અમિત ભોળાભાઈ હરણ અને નિલેશ રબારી (રહે. બન્ને અમરગઢ, તા.સિહોર) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા, તેઓ તેમના સ્ટાફના ભૈયપાલસિંહ, GRD આસિફભાઈ અને હોમગાર્ડ જવાન સાથે સરકારી બોલેરોમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તા.21 જુલાઈના રોજ મધરાતે 12:30 વાગ્યા આસપાસ અમરગઢ ગામે SBI બેન્ક પાસે એક ઈસમ હીરો સ્પ્લેન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હતો.

‘તમને મને પૂછવાનો કોઈ અધિકાર નથી’ પોલીસે તેની ઓળખ પૂછતા તેણે પોતાનું નામ અમિતભાઈ ભોળાભાઈ હરણ રહે. અમરગઢ જણાવી “તમને મને પૂછવાનો કોઈ અધિકાર નથી” કહી પોલીસ સાથે જીભાજોડી કરી હતી. અમિતે ઉશ્કેરાઈ જઈ તેઓને પકડી લીધા હતા અને મારી નાખવાની ધમકી આપી બાદમાં પોતાના કુટુંબી નિલેશભાઈ રબારીને લાકડી લઈને બોલાવ્યો હતો.

બે શખ્સોએ લાકડી લઈને હેડ કોન્સ્ટેબલ અને GRD જવાન પર હુમલો નિલેશ રબારીએ આવીને તેઓને માથાના ભાગે લાકડી મારવાનો પ્રયાસ કરતા તેઓ નમી ગયા, પરંતુ વાંસાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ વચ્ચે પડવા ગયેલા GRD જવાન અજયભાઈ પરમારને પણ મોઢાના ભાગે લાકડી વાગતા બે ટાંકા આવ્યા હતા. સરકારી ગાડીના ચાલક ભૈયપાલસિંહે વચ્ચે પડી અમિતને ઝડપી લીધો હતો, જ્યારે નિલેશ નાસી છૂટ્યો હતો.