ભાવનગર નજીક આવેલા ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પરથી થોડા દિવસ પૂર્વે ખડસલીયા ગામના યુવકનો નગ્ન અને લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પ્લમ્બિંગનો વ્યવસાય કરતા મુનાભાઈ હિંમતભાઈ ડાભી હોવાનું ખુલ્યું હતું.
24મી ઓક્ટોબરે કામ પર ગયા બાદ તેઓ ઘરે પરત ફર્યા નહોતા અને ફોન સ્વિચ ઓફ આવતો હતો. પરિવારજનોને અકસ્માતની માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં માથા અને શરીર પર ગંભીર ઈજા જોઈને હત્યાની શંકા ગઈ હતી. આ અંગે મૃતકના ભાઈ દિપકભાઈ ડાભીની ફરિયાદના આધારે વરતેજ પોલીસે અજાણ્યા શખસો સામે તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં બે ઝબ્બે વરતેજ પોલીસે સઘન તપાસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આ ક્રૂર હત્યામાં સંડોવાયેલા ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના બે શખસો—મહેન્દ્ર ઉર્ફે મંદાભાઈ ગોરધનભાઈ જાંબુચા અને દિનેશ ઉર્ફે દીનો વિઠ્ઠલભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી.
રૂપિયાની ઉઘરાણીમાં થઈ હત્યા પોલીસ પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી મહેન્દ્ર ઉર્ફે મંદાએ ખુલાસો કર્યો હતો કે તેણે મુનાભાઈ પાસેથી રૂ. 75,000 લીધા હતા અને અન્ય એક વ્યક્તિને આપ્યા હતા.
જો કે, તે વ્યક્તિનું મૃત્યુ થતાં મુનાભાઈ પોતાના નાણાં પરત મેળવવા માટે મહેન્દ્ર પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા. આ નાણાકીય તકરારથી કંટાળીને આરોપીએ નાણાં આપવાના બહાને મુનાભાઈને બોલાવ્યા હતા. જ્યાં બોલાચાલી થતાં મહેન્દ્રએ મુનાભાઈના માથામાં લાકડાના ધોકાના ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી.

