૧૩મી ઑગસ્ટથી યોજાનારી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું નામ ગજવશે રોનાલ્ડો
મૂળ ભાવનગરના રોનાલ્ડો હોપકિન્સને રમતના સંસ્કારો વારસામાં મળ્યા છે: માતા પણ નેશનલ બાસ્કેટબોલ પ્લેયર હતાં
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૩મી ઑગસ્ટથી યોજાનારી એશિયા-ઓશિનિયા FIBA અંડર-૧૮ બાસ્કેટબૉલ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી ભારતીય ટીમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, મૂળ ભાવનગરનો રોનાલ્ડો હોપકિન્સ.
બાસ્કેટબોલની રમત પ્રત્યે આકર્ષણથી માંડીને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા સુધીની પોતાની યાત્રા વિશે વાત કરતાં રોનાલ્ડો જણાવે છે કે બાસ્કેટબોલની રમત તેને વારસામાં મળી છે. રોનાલ્ડોનાં માતા પણ બાસ્કેટબોલનાં નેશનલ લેવલના ખેલાડી હતાં, જેના કારણે તેને આ રમત પ્રત્યે સહજ જ રસ જાગ્યો હતો.
રોનાલ્ડો કહે છે કે જ્યારે તે સાતમા ધોરણમાં હતો, ત્યારથી તેણે સ્કૂલની બાસ્કેટબોલ ટીમ માટે રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સ્થાનિક ક્લબમાંથી અને સમયાંતરે સ્ટેટ અને નેશનલ ટીમ સુધી પહોંચ્યો.
દરમિયાન, ગયા મે-૨૦૨૬માં શ્રીલંકા ખાતે સાઉથ એશિયન બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા યોજાયેલી ક્વૉલિફાઇંગ ચેમ્પિયનશિપમાં પણ તે ભારતીય ટીમ સાથે રમ્યો હતો. જે સ્પર્ધામાં ભારતીય ટીમ વિજેતા બની હતી અને હવે અમદાવાદ ખાતે યોજાનારી એશિયા-ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે.
રોનાલ્ડોને તેની કારકિર્દીની ઊંચાઈઓ સુધી પહોંચવામાં ખેલાડીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ એક પછી એક સીડીની જેમ મદદરૂપ સાબિત થઈ છે. આ અંગે રોનાલ્ડો જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ-ડ્ઢન્જીજી, એકેડેમી, શક્તિદૂત જેવી વિવિધ સહાય યોજનાઓ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે, જે રાજ્યમાં ઊભરતી ખેલ પ્રતિભાઓને તેમની સ્પોર્ટ્સ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બને છે.
પોતાના અનુભવો શૅર કરતાં રોનાલ્ડો હોપકિન્સે જણાવ્યું કે આજે તેને સરકાર દ્વારા દર મહિને આર્થિક સહાય મળે છે. વધુમાં, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્ટેટ-ઑફ-ધ-આર્ટ સુવિધાઓમાં અનુભવી આહારશાસ્ત્રી (ડાયેટિશિયન) દ્વારા સૂચવાયેલો આહાર અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ તેની રમતને નવો વળાંક આપી રહી છે.
આ તમામ સુવિધાઓ બદલ તેણે ગુજરાતમાં ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓનો પ્રારંભ કરાવનારા દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અને આ પરંપરાને આગળ ધપાવનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંતમાં, પોતાના હોમ ગ્રાઉન્ડ પર એશિયા કપમાં ભારત માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાને જ પોતાનો મુખ્ય લક્ષ્યાંક ગણાવી, રમતગમત ક્ષેત્રે આગળ વધવા માગતાં બાળકો-યુવાનો માટે પ્રેરણારૂપ પ્રદર્શન કરવાનો તેણે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

