Gujarat

ભારે વરસાદથી સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેનો સ્થાનિકો સાથે સીધો સંવાદ

હવે મત લેવા આવું ત્યારે ૩૦ ઈંચ વરસાદ પડે તો પણ પાણી નહીં ભરાય: બોપલ લોક દરબારમાં શ્રી અમિત શાહનું સ્થાનિકોને આશ્વાસન

થોડા દિવસો અગાઉ અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ બોપલ, ઘુમા, શેલા, આંબલી અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહે સ્થાનિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. બોપલની મ્દ્ભસ્ સ્કૂલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહીશો, વિવિધ સોસાયટીઓના ચેરમેન સહિતના લોકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો અમિત શાહ સમક્ષ મૂકી હતી.

લોક દરબારનો મુખ્ય હેતુ તાજેતરના ભારે વરસાદ બાદ સર્જાયેલી સમસ્યાઓને સમજવાનો અને સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળવાનો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, પોલીસ કમિશનર, રેલવેના ડીઆરએમ, કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અમિત શાહે સ્થાનિકોને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ જાેધપુર અને બોપલના બે વોર્ડના રહીશો તેમજ સોસાયટીઓના ચેરમેનને મળવા માટે આવ્યા છે. તેમણે કહ્યું કે લોક દરબાર ક્યાં યોજવો તે અંગે ચર્ચા થઈ ત્યારે બોપલ અને આસપાસના વિસ્તારમાં તાજેતરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાથી અહીં કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

શ્રી અમિત શાહે ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે છેલ્લા ૫૦ વર્ષમાં એક સાથે ૨૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો નહોતો અને આ વખતે મેઘરાજાએ ભારે વરસાદ વરસાવતા હાલની વ્યવસ્થાઓ ઓછી પડી ગઈ હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી, મેયર અને સ્થાનિક કાઉન્સિલરોને સમસ્યાની જાણ છે, પરંતુ અપેક્ષા કરતાં ઘણો વધારે વરસાદ પડ્યો તે પણ સ્વીકારવું પડે.

‘હવે હું ફરીવાર મત લેવા આવીશ ત્યારે ૩૦ ઇંચ વરસાદ પડે તો પણ પાણી ન ભરાય‘

લોક દરબારમાં અમિત શાહે પાણી ભરાવાની સમસ્યાને લઈને મોટું આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે બીજી વખત મત માગવા આવે ત્યારે ૩૦ ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટીઓમાં પાણી ન ભરાય.

તેમણે કહ્યું કે જાે ૨૧ ઇંચ વરસાદની સંભાવના હોય તો ૩૦ ઇંચ સુધીની વ્યવસ્થા રાખવી જાેઈએ અને જાે ૩૦ ઇંચથી પણ વધુ વરસાદ પડે તો તે પ્રમાણે વ્યવસ્થામાં વધુ વધારો કરવો પડશે. પાણીના નિકાલની જવાબદારી અંગે તેમણે કહ્યું કે આ મુદ્દે તેઓ પોતે જવાબદારી લેશે અને તેના નિરાકરણ માટે જરૂરી કામગીરી કરાવશે.

શ્રી અમિત શાહે બોપલ, આંબલી, શેલા સહિતની નવી વસાહતોમાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે નર્મદાના પાણી માટે જાસપુરથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે સ્થાનિકોને ખાતરી આપી હતી કે વધુમાં વધુ છ મહિનામાં આ વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે.આ સાથે ગટર અને પાણીના નિકાલની વ્યવસ્થા અંગે પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. બોપલ, આંબલી અને શેલા જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં વધતી વસ્તી અને નવી વસાહતોને ધ્યાનમાં રાખીને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

લોક દરબારમાં બોપલ અને ઘુમાના રહીશોએ વરસાદ દરમિયાન થયેલા પાણી ભરાવા, પાણીના નિકાલ, રસ્તા, ગટર અને અન્ય સ્થાનિક સુવિધાઓને લગતી પોતાની રજૂઆતો કરી હતી. અમિત શાહે તમામ રજૂઆતો સાંભળી અને પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત તંત્ર સાથે ચર્ચા કરવાની ખાતરી આપી હતી.તેમણે સોસાયટીઓના ચેરમેનને તમામ પ્રશ્નો લેખિતમાં મોકલી આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે સોસાયટીના તમામ ચેરમેન સાથે અલગથી બેઠક કરીને એક પછી એક સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

અમિત શાહે પોતાના સંબોધનમાં તાજેતરના ભારે વરસાદ બાદ સ્થાનિકોને પડેલી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે વરસાદ બાદ તેઓ સ્થાનિકોને મળવા આવી શક્યા નહોતા અને હવે ખાસ કરીને તેમની સ્થિતિ જાણવા અને તેમની સમસ્યાઓ સાંભળવા માટે આવ્યા છે.તેમણે હળવા અંદાજમાં જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન લોકોને તકલીફ પડી હશે, ઝઘડા પણ થયા હશે, તેથી હવે પરિવારના સભ્યની જેમ સ્થાનિકોની ખબર અંતર પૂછવા આવ્યા છે. તેમણે સોસાયટીના ચેરમેન સાથે મળીને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની વાત કરી હતી.

અમિત શાહે પોતાના સંબોધનમાં બોપલ, જાેધપુર અને સરખેજ વિસ્તાર સાથેના પોતાના જૂના જાેડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગ્રામ પંચાયતના સમયથી આ વિસ્તાર સાથે જાેડાયેલા છે અને આજે આ વિસ્તારમાં થયેલો વિકાસ તેમની સામે છે.તેમણે કહ્યું કે જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે સરખેજ અને જાેધપુર વિસ્તારમાં સલામતી સહિતના અનેક પ્રશ્નો હતા અને તે સમયે પણ વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૯૯ અને ૨૦૦૨ની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જૂના સમયની સ્થિતિ અને આજના વિકાસ વચ્ચે મોટો તફાવત છે.

અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી વચ્ચે સરકાર અને સ્થાનિક તંત્રના સંકલન અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઉપર નરેન્દ્ર મોદી છે અને અહીં ભૂપેન્દ્ર પટેલ છે, એટલે ‘મોસાળમાં જમવાનું અને મા પીરસનાર હોય તો તકલીફ ન પડે‘ એવો ઉલ્લેખ કરતાં તેમણે વિકાસના કામો માટે સરકારના સહયોગની વાત કરી હતી.તેમણે લોક દરબારમાં હાજર રહેલા સ્થાનિકો દ્વારા સંયમ રાખવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ મોડા પહોંચ્યા હોવા છતાં લોકોએ સંયમ જાળવ્યો.

શહેરના બોપલ-ઘુમા-શેલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાએ ફરી એક વખત ઝડપથી વિકસતા અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ અને માળખાકીય આયોજન અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. લોક દરબારમાં આ જ મુદ્દો મુખ્ય કેન્દ્રમાં રહ્યો હતો.

અમિત શાહે સ્પષ્ટ સંદેશ આપ્યો કે માત્ર અત્યાર સુધીની વરસાદી ક્ષમતાને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ ભવિષ્યમાં વધુ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવું પડશે. તેમણે ૩૦ ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટીઓમાં પાણી ન ભરાય તેવું આયોજન કરવાની ખાતરી આપી હતી.આ ઉપરાંત નર્મદાના પાણી, ગટર વ્યવસ્થા, રસ્તા સહિત સ્થાનિક સુવિધાઓ અંગે રજૂ થયેલા પ્રશ્નોનું પણ તબક્કાવાર નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. લોક દરબાર બાદ હવે સ્થાનિકોની લેખિત રજૂઆતોના આધારે સંબંધિત વિભાગો દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર રહેશે.