Gujarat

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ વડોદરાના કાયાવરોહણ ખાતે FCI સાઈલોની મુલાકાત લીધી

મંત્રીશ્રીએ અનાજ સંગ્રહ, ખરીદી અને ઓટોમેટેડ હેન્ડલિંગ સુવિધાઓની સમીક્ષા કરી; વૃક્ષારોપણ કર્યું

કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ વડોદરાના કાયાવરોહણ સ્થિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) સાઈલોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અનાજ સંગ્રહ, ખરીદી અને પ્લાન્ટની ઓટોમેટેડ હેન્ડલિંગ સુવિધાઓનું નિરીક્ષણ કરી વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

મંત્રીશ્રીએ પ્લાન્ટ ખાતે અનાજ સંગ્રહ ક્ષમતા, ખરીદી પ્રક્રિયા, ઘઉં વહન કરતી રેલવે વેગનનું હેન્ડલિંગ, ઓટોમેશન અને લેબોરેટરી સુવિધાઓ સહિતની વિવિધ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું તથા પ્લાન્ટની સક્ષમ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ત્યારબાદ મંત્રીશ્રીએ પ્લાન્ટ પરિસરમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લઈ પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

આ મુલાકાત પ્રસંગે એફસીઆઈ ગુજરાત રિજનના જનરલ મેનેજર શ્રી સુદેશ કુમાર યાદવ, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી અમિત તિવારી, એફસીઆઈ વડોદરા ડિવિઝનના ડિવિઝનલ મેનેજર શ્રી શામ લાલ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.