Gujarat

વડોદરા બ્રાન્ચનું પરિણામ 23.09 ટકા નોંધાયું, હર્ષ સરવૈયાએ શહેરમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં મેળવ્યો 16મો રેન્ક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૬માં લેવાયેલી CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા હાંસલ કરી છે. વડોદરા બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા કુલ 1325 વિદ્યાર્થીઓ પૈકી 306 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને બ્રાન્ચનું એકંદર પરિણામ 23.09 ટકા નોંધાયું છે. વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓએ દેશના ટોપ-50 રેન્કર્સમાં સ્થાન મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે.

વડોદરાના 3 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો પરિણામો અનુસાર, વડોદરાના હર્ષ સરવૈયાએ 468 ગુણ મેળવીને સિટીમાં પ્રથમ સ્થાન મેળવવાની સાથે સમગ્ર દેશમાં ઓલ ઈન્ડિયા 16મો રેન્ક (AIR 16) હાંસલ કર્યો છે. આ ઉપરાંત, વ્રજેશ શાંતિલાલ પરમારે 438 ગુણ સાથે સિટીમાં બીજો અને ઓલ ઇન્ડિયા 46મો રેન્ક મેળવ્યો છે.

જ્યારે માનુષ શર્માએ 435 ગુણ સાથે સિટીમાં ત્રીજો અને દેશમાં 49મો રેન્ક (AIR 49) મેળવ્યો છે. શહેરના ટોપર્સની યાદીમાં કંજારીયા હર્ષ કરમશીભાઈ 423 ગુણ સાથે ચોથા ક્રમે અને ચૌધરી પાર્થ રમેશભાઈ 420 ગુણ સાથે પાંચમા ક્રમે રહ્યા છે. સમગ્ર દેશના પરિણામ પર નજર કરીએ તો ગ્રુપ-1 માં 23.14 ટકા, ગ્રુપ-2માં 18.92 ટકા તેમજ બંને ગ્રુપમાં 13.21 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે.

રોજના 10-11 કલાકનો ગુણવત્તાયુક્ત અભ્યાસ: AIR 49 માનુષ શર્મા દેશમાં 49મો રેન્ક મેળવનાર માનુષ શર્માએ પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે, આયોજનબદ્ધ અને નિયમિત અભ્યાસ જ સફળતાની ચાવી છે. શરૂઆતથી જ દૈનિક ૧૦ થી ૧૧ કલાક ગુણવત્તાસભર અભ્યાસ કરવાથી છેલ્લા મહિનાઓમાં રિવિઝન માટે પૂરતો સમય મળ્યો હતો. અભ્યાસના ભારણ અને માનસિક થાક (બર્નઆઉટ) થી બચવા માટે તેઓ વચ્ચે વિરામ લેતા હતા તેમજ નિયમિત મોક ટેસ્ટ આપીને પોતાની નબળાઈઓનું સતત વિશ્લેષણ કરતા હતા.