રાજકોટ જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા આવતીકાલે 9મી જુલાઇએ યોજાશે. ગત એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 36માંથી 34 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ પ્રમુખપદે સંજય પીપળીયા અને ઉપપ્રમુખપદે સામતભાઇ બાંભવા નિયુક્ત થયા હતા. જોકે, દોઢ મહિનાથી સમિતિઓની રચના બાકી હોવાથી સભ્યોમાં કચવાટ હતો, જેનો હવે અઢી મહિને અંત આવશે અને જુદી-જુદી 8 સમિતિઓની રચના કરવામાં આવશે.
આ સામાન્ય સભામાં મુખ્યત્વે બે દરખાસ્તો પર નિર્ણય લેવાશે, જેમાં વિવિધ સમિતિઓની રચના ઉપરાંત સ્વભંડોળમાંથી સૂચવાયેલા અધૂરા કામો પૂરા કરવા માટે મુદત વધારો મંજૂર કરવાની દરખાસ્ત સામેલ છે. ખાસ સામાન્ય સભા હોવાથી પ્રશ્નોત્તરી રાખવામાં આવી નથી. કારોબારી, બાંધકામ, સિંચાઇ, શિક્ષણ અને આરોગ્ય જેવી મહત્વની સમિતિઓમાં સ્થાન મેળવવા હાલ સભ્યોએ લોબિંગ શરૂ કર્યું છે.
કારોબારી સમિતિના ચેરમેન અગાઉથી જાહેર કરાયા છે, જ્યારે અન્ય સમિતિઓના ચેરમેનની ચૂંટણી એકાદ સપ્તાહ બાદ યોજાશે. સમિતિઓમાં અનુભવીઓને પ્રાધાન્ય મળે છે કે નવા ચહેરાઓને, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

