ભૂજના ભૂજોડી ગામમાં આવેલા વંદેમાતરમ પાર્ક ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાને ‘ગુરુજી’ એવોર્ડથી સન્માનિત કરાયા. આ ખાસ એવોર્ડ સ્વયં સિદ્ધા ટીમ અને ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા (ઓલ ઈન્ડિયા) દ્વારા આપવામાં આવ્યો હતો. વિજયભાઈને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત નવીન પ્રવૃત્તિઓ કરવા અને શિક્ષણમાં અલગ-અલગ પ્રયોગો કરવા બદલ આ સન્માન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિજયભાઈ દલસાણિયાએ શિક્ષણ ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરી બદલ અગાઉ પણ ઘણા એવોર્ડ મેળવ્યા છે. આ સન્માન મળવા બદલ વિજયભાઈ દલસાણિયાએ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. રૂપાલી મોરબીયા, નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. મમતા ભટ્ટ, સેક્રેટરી અર્ચના ગાંધી અને સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

