Gujarat

ભાવનગર-અમદાવાદ હાઇવે પરથી લાખોનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

વેળાવદર (સનેસ) પોલીસ સ્ટેશનની ટીમે દારૂના દૂષણ પર પ્રહાર કરતા ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર-અમદાવાદ NH-751 પર વોચ ગોઠવી હતી આ અંગે વેળાવદર ભાલ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર વેળાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ગોરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 751 પર આવેલી ક્રિષ્ના હોટલ પાસે વોચ ગોઠવી હતી.

ફરાર 3 શખસોની શોધખોળ ​તપાસ દરમિયાન પોલીસે દારૂની હેરફેર માટે વપરાતી એક અર્ટિગા કારને અટકાવી હતી. કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 528 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,93,200 થાય છે, ​પોલીસે સ્થળ પરથી કીશન લાલજીભાઈ ચૌહાણ રહે. અક્ષરપાર્ક, ભાવનગરને ઝડપી પાડ્યો છે.

જ્યારે દારૂના આ કારોબારમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખસોમાં ઋતુરાજસિંહ ઝાલા રહે.લીંબડી, સુરેન્દ્રનગર, ગોપાલ પ્રાગજીભાઈ મકવાણા રહે.અક્ષરપાર્ક તથા દેવ રાઠોડ રહે.અક્ષરપાર્ક ત્રણેય શખસો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.