Gujarat

ડભોઇ એસટી ડેપો બહાર શૌચાલયની સુવિધાના અભાવે મહિલાઓમાં રોષ

​ડભોઇ એસટી ડેપો ખાતે દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા મુસાફરો, વિદ્યાર્થિનીઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. જોકે, ડેપોની બહાર બનાવવામાં આવેલા શૌચાલયના વહીવટ અને સુવિધાઓને લઈને સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ડેપોની બહાર બનાવવામાં આવેલા જાહેર શૌચાલય પર ‘માત્ર પુરુષો માટે’ તેવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે અને ત્યાં પુરુષોને નિઃશુલ્ક (મફત) સુવિધા અપાઈ રહી છે. બીજી તરફ, આગળ આવેલા અન્ય શૌચાલયમાં કુદરતી હાજતે જવા માટે મહિલાઓ પાસેથી ₹5 થી ₹10 સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે.

મુસાફરોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે એક તરફ સમગ્ર દેશમાં મહિલાઓ માટે 33% અનામત અને મહિલા સશક્તિકરણની મોટી-મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ ડભોઇ જેવા તાલુકા મથકના મુખ્ય બસ સ્ટેન્ડ વિસ્તારમાં મહિલાઓને કુદરતી હાજતે જવા માટે પણ પૈસા ખર્ચવા પડે છે.

મહિલાઓ માટે મફત અને સુરક્ષિત શૌચાલયની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દૂર-દૂરથી આવતી મહિલા મુસાફરોને ભારે હાલાકી અને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.