ગાંધીનગરના કુડાસણ સ્થિત ‘વીન વીન ઓવરસીઝ’ નામના વિઝા એજન્ટે કેનેડાના PR વિઝા અપાવવાની લાલચ આપીને એક જ પરિવારના ભાઈ-બહેન પાસેથી રૂ. 97.50 લાખ પડાવી લીધા છે. એજન્ટે PR વિઝા આપવાને બદલે માત્ર ક્લોઝ વર્ક પરમિટ આપતાં કેનેડા પહોંચેલા ભાઈ-બહેનને અંતે ભારત પરત ફરવું પડ્યું હતું. આ અંગે પીડિત પરિવારે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
35 લોકોને વિદેશ મોકલવાના દાવા સાથે રૂ. 97.50 લાખમાં ડીલ ગાંધીનગરના કુડાસણ સ્થિત ઉમિયા બંગલોમાં રહેતા સુનિલભાઈ અમરતભાઈ પટેલે પોતાના પુત્ર અને ભત્રીજીને કેનેડા મોકલવા માટે વિઝા એજન્ટની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન અમેરિકા રહેતા પરિચિત મારફતે કુડાસણના ‘રાધે સ્ક્વેર’માં ઓફિસ ધરાવતા રવિ સુરેશ સોલંકી (રહે. રાણીપ)નો સંપર્ક થયો હતો. રવિ સોલંકીએ અત્યાર સુધીમાં 35 લોકોને વિદેશ મોકલ્યા હોવાનો દાવો કર્યો હતો અને 3 થી 4 મહિનામાં કેનેડાના વિઝા તથા ત્યારબાદ તુરંત PR અપાવવાની ખાતરી આપીને રૂ. 97.50 લાખમાં ડીલ નક્કી કરી હતી.
બોગસ ક્લોઝ વર્ક પરમિટ પધરાવી અને વધારાના નાણાં પડાવ્યા વિઝા પ્રોસેસિંગના ભાગરૂપે બાયોમેટ્રિક અને મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એજન્ટે પરિશાદ પાસેથી રૂ. 97.50 લાખ રોકડા મેળવી લીધા હતા અને મનોટોબા સ્થિત એક કંપનીની ક્લોઝ વર્ક પરમિટ આપી દીધી હતી.
જોકે, કેનેડા પહોંચ્યા બાદ સુનિલભાઈના પુત્ર પાસે હેલ્થ કાર્ડ ન હોવાથી કંપનીએ તેને કામ આપવાની ના પાડી દીધી હતી, જ્યારે ભત્રીજીને પણ થોડા સમય બાદ નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવી હતી. તેમ છતાં એજન્ટે PR ફાઇલ ચાલુ રાખવાના બહાને દર 15 દિવસે 1,500 કેનેડિયન ડોલર લેવાનું ચાલુ રાખ્યું હતું.

