જામજોધપુર તાલુકાના સોગઠીથી કલ્યાણપુર સુધીના નવા રસ્તાના નિર્માણ માટે રાજ્ય સરકારે ₹1 કરોડની રકમ મંજૂર કરી છે. આ મંજૂરીથી વિસ્તારના ગ્રામજનોને મોટી રાહત મળશે. મંજૂર થયેલી યોજના હેઠળ, સોગઠીથી કલ્યાણપુર સુધી નવો રોડ (નોન પ્લાન) બનાવવામાં આવશે. આ માર્ગના નિર્માણથી આસપાસના ગામોના લોકોને સરળ અને સુગમ પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે, તેમજ દૈનિક અવરજવર વધુ સલામત અને ઝડપી બનશે.
આ નવા રસ્તાના નિર્માણથી ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને સીધો લાભ મળશે. ખાસ કરીને, વરસાદી ઋતુ દરમિયાન માર્ગ વ્યવહારમાં આવતી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને ગામડાઓ વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે.
જામજોધપુર-લાલપુર વિધાનસભાના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું કે, વિસ્તારના સર્વાંગી વિકાસ અને જનસુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રસ્તા માટે મળેલી આ મંજૂરીથી સ્થાનિક લોકોની લાંબા સમયથી રહેલી માંગ સંતોષાશે અને વિકાસને નવી ગતિ મળશે.

