જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત અને જોખમી ઇમારતો સામે કાર્યવાહી ચાલુ છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જાહેર સલામતીના હેતુસર આ પગલાં લેવાઈ રહ્યા છે. ગત સપ્તાહે સાત જર્જરિત મકાનો દૂર કરાયા હતા.
આ કાર્યવાહીના ભાગરૂપે, હાલ ગીતા લોજવાળી બિલ્ડિંગમાં ડિમોલિશન ચાલી રહ્યું છે. આજે ગ્રેન માર્કેટ નજીક આવેલા કસ્ટમ હાઉસના જર્જરિત મકાનને તોડવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત, વોર્ડ નંબર 9ના વંડા ફળી વિસ્તારમાં આવેલું એક અન્ય જર્જરિત મકાન પણ જાહેર જનતા અને આસપાસના રહેવાસીઓ માટે જોખમી હોવાથી તેનું ડિમોલિશન કાર્ય પણ આજે હાથ ધરાયું છે.
જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ શાખાની ટીમ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં જોખમી ઇમારતોની ઓળખ કરી તબક્કાવાર કાર્યવાહી ચાલુ રહેશે.

