આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્માએ શિવસાગર, ગોલાઘાટ, જાેરહાટ અને ચરાઈદેવ એમ ચાર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પૂરગ્રસ્ત પરિવારોને વચગાળાની નાણાકીય સહાય જાહેર કરી છે. ગુવાહાટીમાં મીડિયા સાથે વાત કરતા ડૉ. શર્માએ જણાવ્યું હતું કે આ જિલ્લાઓમાં પૂરના પાણી ઓસરી ગયા છે અને રાહત અને પુનર્વસનના પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લગભગ એક લાખ પૂરગ્રસ્ત પરિવારો માટે ૧૫,૦૦૦ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.
વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પૂરના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઝડપી મૂલ્યાંકન સર્વે ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ ૩૬,૦૦૦ પરિવારોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ ૪૫૦ કરોડ રૂપિયાનું સીધું નુકસાન થવાનો અંદાજ છે.
ડૉ. શર્માએ કહ્યું કે મૂલ્યાંકનમાં અત્યાર સુધીમાં લગભગ ૩૦ ટકા અસરગ્રસ્ત વસ્તીને આવરી લેવામાં આવી છે. સર્વે ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને કુલ નુકસાન એક હજાર કરોડ રૂપિયાથી વધુ થવાની ધારણા છે. તેમણે ખાતરી આપી હતી કે અસરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને પર્યાપ્ત વળતર અને પુનર્વસન માટે સહાય સુનિશ્ચિત કરવા માટે આકારણી સર્વેક્ષણમાં ભાગ લેવા અપીલ પણ કરી.

