અમેરિકન પ્રમુખે એસ્સાર ગ્રુપના રોકાણને અમેરિકાના ઇતિહાસનો ‘સૌથી મોટો‘ પ્લાન્ટ ગણાવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ ‘એસ્સાર ગ્રુપ‘ તેની પેટાકંપની ‘મેસાબી મેટાલિક્સ‘ દ્વારા આયોવા રાજ્યમાં અમેરિકાના ઇતિહાસના “સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ”ના નિર્માણ માટે ૧૮ અબજ યુએસ ડોલરનું રોકાણ કરશે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે મેસાબી મેટાલિક્સના અધિકારીઓની હાજરીમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
‘અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ‘
ઓવલ ઓફિસથી સંબોધન કરતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ પ્રોજેક્ટની જાહેરાત કરતા ‘ખૂબ જ ઉત્સાહિત‘ છે અને દાવો કર્યો હતો કે આ પ્લાન્ટ વાર્ષિક ૧૦ મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરશે. જાેકે આ ભારતનાં વાર્ષિક સ્ટીલ ઉત્પાદનની સરખામણીમાં ઘણું ઓછું છે, તેમ છતાં આ સુવિધા યુનાઇટેડ સ્ટેટ્સમાં એક જ સ્થળે આવેલા સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ્સમાં સ્થાન પામશે.
“આજે અમને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે મેસાબી મેટાલિક્સ આયોવાના મહાન રાજ્યમાં અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે. તે વિશ્વના સૌથી મોટા પ્લાન્ટ્સમાંનો એક છે, પરંતુ અમેરિકામાં તો તે અત્યાર સુધીનો સૌથી મોટો પ્લાન્ટ છે,” તેમ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું.
ટ્રમ્પે આ રોકાણને અમેરિકાના ઔદ્યોગિક ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાવી હતી.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી બાંધકામ ક્ષેત્રે ૬,૦૦૦ સુધીની અને ઉત્પાદન તથા ખાણકામ ક્ષેત્રે લગભગ ૨,૦૦૦ કાયમી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે, જેનાથી અમેરિકાની અર્થવ્યવસ્થામાં ૯૫ અબજ યુએસ ડોલરનો ઉમેરો થશે. આ પ્લાન્ટ મિનેસોટાની નવી ખાણમાંથી મેળવેલા આયર્ન ઓર (લોખંડના કાચા ખનિજ)નો ઉપયોગ કરશે, જેનાથી ખાણકામથી લઈને સ્ટીલ ઉત્પાદન સુધીની એક સંકલિત સપ્લાય ચેઇન (પુરવઠા શૃંખલા) તૈયાર થશે.
“આ એક જંગી રોકાણ છે. અને આગામી ૧૦ વર્ષ દરમિયાન અદ્યતન સ્ટીલ-ઉત્પાદન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કરવામાં આવશે. આ પ્લાન્ટ વિશ્વમાં ક્યાંય પણ મળતા સ્ટીલની સરખામણીમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત અને સૌથી સસ્તું સ્ટીલ ઉત્પાદિત કરશે. તેઓ અહીં જ તેનું ઉત્પાદન કરશે, અહીં જ તેનો ઉપયોગ કરશે અને બહાર પણ મોકલશે તથા ખૂબ સારી કામગીરી કરશે,” એમ ટ્રમ્પે કહ્યું.
પ્લાન્ટ વાર્ષિક ૧૦ મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરશે
સ્થાનિક ઉત્પાદન પર વહીવટીતંત્રના ધ્યાન બદલ પ્રશંસા વ્યક્ત કરતા, મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રૂઈયાએ ‘અમેરિકામાં વસ્તુઓના નિર્માણના મહત્વને પુન:સ્થાપિત કરવા બદલ‘ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. “અમેરિકામાં ઉત્પાદન પ્રવૃત્તિઓ વધારવાના મહત્વને પુન:સ્થાપિત કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર. આયોવામાં નવા સ્ટીલ સંકુલ સાથે, અમે સંપૂર્ણ રીતે સંકલિત અમેરિકન સપ્લાય ચેઇન (પુરવઠા શૃંખલા) પૂર્ણ કરીશું,” એમ રુઇયાએ જણાવ્યું હતું.
ખર્ચ અંગે પૂછવામાં આવતા, માલિકોએ અંદાજે ૧૮ અબજ યુએસ ડોલર (વર્તમાન વિનિમય દર મુજબ લગભગ ૧.૫ લાખ કરોડ રૂપિયા)ની રકમ પર સહમતિ દર્શાવી હતી. વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ખાણ અને પ્લાન્ટના સંયુક્ત રોકાણનો આંકડો ૧૭.૫ અબજ યુએસ ડોલર જણાવ્યો હતો.
એકવાર કાર્યરત થયા પછી, આ સુવિધા વાર્ષિક ૧ કરોડ (૧૦ મિલિયન) ટન સ્ટીલનું ઉત્પાદન કરશે અને તેના માટે જરૂરી કાચો માલ મિનેસોટામાં આવેલી કંપનીની આયર્ન ઓર (લોહ-અયસ્ક)ની ખાણમાંથી મેળવશે.
એસ્સાર ગ્રુપ એ બે ભાઈઓ, શશિ અને રવિ રુઇયા દ્વારા સ્થાપિત એક ભારતીય સમૂહ (કોંગ્લોમેરેટ) છે, જે પાંચ દાયકાનો કાર્યકાળ ધરાવે છે. તેની ભારતીય સંપત્તિઓમાં ગુજરાતના હજીરામાં આવેલી ભારતની સૌથી મોટી સિંગલ-લોકેશન સ્ટીલ સુવિધા (૧૦ મિલિયન ટન ક્ષમતા) અને વડિનરમાં દેશની બીજી સૌથી મોટી સિંગલ-લોકેશન રિફાઇનરીનો સમાવેશ થાય છે. તેણે યુકેમાં શેલ (જીરીઙ્મઙ્મ)ની સ્ટેનલો રિફાઇનરીનું પણ અધિગ્રહણ કર્યું હતું. વિદેશમાં, તેણે સાઉદી અરેબિયામાં લો-કાર્બન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે.
અહીં રોકાણ કરી રહેલી કંપની ‘મેસાબી મેટાલિક્સ‘ (સ્ીજટ્ઠહ્વૈ સ્ીંટ્ઠઙ્મઙ્મૈષ્ઠજ) એ એસ્સારની યુએસ શાખા છે. એસ્સાર ૨૦૦૭થી મિનેસોટામાં કાર્યરત છે, જ્યારે તેણે ‘મિનેસોટા સ્ટીલ‘ ખરીદી હતી, જે ૧.૪ અબજ ટનથી વધુ આયર્ન ઓર સંસાધનોનું નિયંત્રણ કરતી હતી.

