ભારતીય રેલવેએ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન માલસામાન અને મુસાફરી વિભાગોમાં સતત વૃદ્ધિ નોંધાવી છે, જેમાં ઉચ્ચ માલસામાન લોડિંગ અને અર્થતંત્રના અનેક મુખ્ય કોમોડિટી ક્ષેત્રોમાં વૃદ્ધિ જાેવા મળી છે. નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન માલસામાનના લોડિંગમાં પણ સતત વૃદ્ધિ નોંધાઈ છે, જે અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાં રેલ પરિવહન માટેની સતત માંગને પ્રતિબિંબિત કરે છે.
માલસામાનના લોડિંગમાં ૬.૧૪% ની વૃદ્ધિ નોંધાઈ
ભારતીય રેલવેએ સપ્ટેમ્બર ૨૦૨૫માં ૧૨૭.૫૨ મિલિયન ટનની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૨૬ માં ૧૩૫.૩૫ મિલિયન ટન માલસામાનનું લોડિંગ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં ૬.૧૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
મહિના દરમિયાન અગ્રણી કોમોડિટી વિભાગોમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી. અનાજના લોડિંગમાં ૨૫ ટકા, ક્લિંકરમાં ૨૦ ટકા, સ્થાનિક કન્ટેનરમાં ૧૦ ટકા, કોલસામાં ૯ ટકા, અન્ય બાકીની ચીજવસ્તુઓમાં ૮.૨ ટકા, ખનિજ તેલમાં ૬ ટકા, ફિનિશ્ડ સ્ટીલમાં ૫.૫ ટકા અને લોહ અયસ્કમાં ૫.૨ ટકાનો વધારો થયો હતો.
પાવર હાઉસોને કોલસાનો પુરવઠો મજબૂત કરાયો
ભારતીય રેલવેએ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પાવર હાઉસો માટે સ્થાનિક કોલસાનો પુરવઠો વધાર્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૫ માં દૈનિક સરેરાશ ૩૯૭ રેકની સરખામણીએ દૈનિક સપ્લાય કરવામાં આવતી કોલસાની રેકની સરેરાશ સંખ્યા વધીને ૪૪૩ રેક થઈ ગઈ છે, જે ૧૧.૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન માલસામાનની આવકમાં સપ્ટેમ્બર ૨૦૨૫ ની સરખામણીએ ?૧,૨૬૬ કરોડનો વધારો થયો છે, જે ૯.૩ ટકાની વૃદ્ધિ નોંધાવે છે.
સંચયી માલસામાન લાદાણ ૮૩૩ મિલિયન ટનને વટાવી ગયું
સંચયી ધોરણે, ભારતીય રેલવેએ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ૮૩૩.૭ મિલિયન ટન માલસામાનનું લાદાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૪.૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન માલસામાનની આવકમાં ૩.૭ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

