પશ્ચિમ બંગાળથી કલકત્તા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસના યુવા નેતા અભિષેક બેનર્જીને આંખની સારવાર માટે વિદેશ જવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેમણે ચૂંટણી ભાષણ કેસમાં ૩૦ સપ્ટેમ્બર સુધી પોલીસ કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.
જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની બેન્ચે રાજ્ય સંચાલિત SSKM મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તપાસનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે વિદેશ પ્રવાસની માંગ કરતી અરજી પર ફક્ત ત્યારે જ વિચારણા કરી શકાય છે જાે SSKM હોસ્પિટલના મેડિકલ બોર્ડને લાગે કે કોલકાતામાં સારવાર શક્ય નથી. આ મામલાની સુનાવણી આવતા મહિને ફરી થશે.
બેનર્જીના વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ તેમની સારવાર માટે ૧૦ વર્ષથી અમેરિકા જઈ રહ્યા છે અને તેમને મુસાફરી કરવાની મંજૂરી આપવી જાેઈએ.
અધિક એડવોકેટ જનરલ રાજદીપ મજુમદારે જણાવ્યું હતું કે બેનર્જીની ભારતમાં ગેરહાજરી ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પ્રચાર ભાષણોમાં ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવાનો આરોપ ધરાવતા કેસ સહિત ચાલી રહેલી તપાસને અસર કરશે.
૧૫ મેના રોજ, બેનર્જી પર ભારતીય ન્યાય સંહિતા અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ તેમના પ્રચાર ભાષણો બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે લગાવવામાં આવેલા બે આરોપો બિનજામીનપાત્ર છે. ૧૬ જૂનના રોજ, ગુનાહિત તપાસ વિભાગે બેનર્જીની લગભગ ૬.૫ કલાક પૂછપરછ કરી.
૧૦ જુલાઈના રોજ, ન્યાયાધીશ ભટ્ટાચાર્યએ બે નોટિસ મળ્યા છતાં ચૂંટણી ભાષણ કેસમાં તેમના અવાજનો નમૂનો ન આપવા બદલ બેનર્જીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે કોર્ટે ૩૧ જુલાઈ સુધી પોલીસ કાર્યવાહીમાંથી રાહત ફક્ત એ શરતે આપી હતી કે બેનર્જી તપાસકર્તાઓને સહયોગ કરશે.
કોર્ટે બેનર્જીને રેકોર્ડિંગમાંથી મુક્તિ મેળવવાની અરજી પર સુનાવણી કર્યા પછી ૧૫ જુલાઈના રોજ તેમનો અવાજનો નમૂનો આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કડક અવલોકનો કર્યા બાદ બેનર્જીના વકીલ અયાન ભટ્ટાચાર્યે અરજી પાછી ખેંચી લીધી.

