National

મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા બિલના મુસદ્દાને મંજૂરી આપી

મધ્યપ્રદેશમાં, રાજ્ય મંત્રીમંડળે સમાન નાગરિક સંહિતા પર બિલના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના જગદીશપુર ખાતે મંત્રીમંડળની બેઠક મળી હતી. આવતીકાલથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ડૉ. યાદવે કહ્યું હતું કે, યુસીસી રાજ્યમાં દરેકને સમાન દરજ્જાે આપશે. તેમણે કહ્યું કે, આ કાયદાને લાગુ કરતા પહેલા બે મહિના સુધી જનતા પાસેથી પ્રતિસાદ લેવામાં આવ્યો હતો, છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી અને સમાજના તમામ વર્ગોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. ડો. યાદવે કહ્યું કે, કુલ ૯ લાખ ૫૮ હજાર સૂચનો પ્રાપ્ત થયા હતા અને ૯૩ ટકાથી વધુ લોકોએ આ કાયદાને ટેકો આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, ૮૦ ટકા મુસ્લિમ મહિલાઓ અને ૪૦ ટકા મુસ્લિમ પુરુષોએ પણ સમાન કાયદાની માંગ કરી છે.

યુસીસીની મુખ્ય જાેગવાઈઓ હેઠળ, રાજ્યમાં એક કરતા વધુ લગ્ન માન્ય રહેશે નહીં. છૂટાછેડા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. મહિલાઓ અને પુરુષોને સમાન વારસા અધિકાર મળશે. લિવ-ઇન રિલેશનશિપની નોંધણી એક મહિનાની અંદર ફરજિયાત રહેશે. ગામડા સ્તર સુધી લગ્ન નોંધણી ફરજિયાત રહેશે. આદિવાસી સમુદાયોને આ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ વિપક્ષને બિલને સમર્થન આપવા અપીલ કરી છે.