એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની સુવર્ણ ચંદ્રકોની સંખ્યામાં ફરી એકવાર વધારો થયો, કારણ કે પુરુષ ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી. બંને ટીમો ૩ ઓક્ટોબરે નિશિનના કોરોગી પાર્કમાં સામસામે આવી હતી અને ભારતે પ્રથમ બેટિંગ કરી હતી.
અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ બેટિંગની શરૂઆત કરી હતી. બે સિક્સર ફટકાર્યા બાદ સૂર્યવંશી ૧૫ રનના સ્કોર પર આઉટ થયા હતા, પરંતુ ‘મેન ઇન બ્લુ‘ (ભારતીય ટીમ) માટે અભિષેક શર્માની ઇનિંગ્સ ખાસ રહી હતી. અભિષેકે માત્ર ૨૮ બોલમાં ૬૧ રન બનાવ્યા અને શરૂઆતમાં જ પાકિસ્તાન પર દબાણ ઊભું કર્યું.
આ ઉપરાંત, સંજુ સેમસન બે રનના સ્કોર પર આઉટ થયા હતા, જ્યારે શ્રેયસ અય્યર અને ઈશાન કિશને અનુક્રમે ૨૧ અને ૨૦ રન બનાવ્યા હતા. તિલક વર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૨૨ બોલમાં ૫૧ રન બનાવી અણનમ રહ્યા હતા, જ્યારે શિવમ દુબેએ ૨૭ રનનું યોગદાન આપ્યું હતું; આમ ભારતે પ્રથમ ઇનિંગ્સમાં કુલ ૨૧૧ રન બનાવ્યા હતા.
પાકિસ્તાન તરફથી અહેમદ દાનિયાલ અને અરાફાત મિન્હાસે બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે સાઈમ અયુબ અને અબરાર અહેમદે પણ એક-એક વિકેટ લીધી હતી.
નવાઝની ઇનિંગ્સ નિરર્થક; પાકિસ્તાન લક્ષ્યાંકનો પીછો કરવામાં નિષ્ફળ
લક્ષ્યાંકના પીછાણની વાત કરીએ તો, પાકિસ્તાને સાહિબઝાદા ફરહાન અને માઝ સદાકત સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના કેપ્ટન ફરહાન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેઓ દબાણનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા અને ૧૦ રનના સ્કોર પર આઉટ થઈ ગયા. આ ઉપરાંત, સદાકત પણ ૧૮ બોલમાં ૨૩ રન બનાવીને આઉટ થયા હતા.
‘મેન ઇન ગ્રીન‘ (પાકિસ્તાની ટીમ) માટે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ કારણ કે ઉસ્માન ખાન પણ ત્રણ રનના સ્કોર પર આઉટ થઈ ગયા. ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાન માટે બધું સમાપ્ત થઈ ગયું હોય તેવું લાગતું હતું, પરંતુ સાઈમ અયુબ અને હસન નવાઝ વચ્ચેની ભાગીદારીએ ઇનિંગ્સને સંભાળી લીધી. અયુબ ૨૯ રન બનાવીને આઉટ થયા, જ્યારે નવાઝે શાનદાર પ્રદર્શન કરતા ૫૧ બોલમાં ૯૬ રન બનાવ્યા. જાેકે, આટલું પણ પૂરતું નહોતું કારણ કે પાકિસ્તાન માત્ર ૧૯૨ રન જ બનાવી શક્યું; પરિણામે ભારતે ૧૯ રનથી મેચ જીતી લીધી અને એશિયન ગેમ્સ ૨૦૨૬માં વધુ એક સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો.

