ઊના – ગીરજંગલની બોર્ડને અડી આવેલા ગામોમાં અવાર નવાર વન્યપ્રાણીઓ આવી પોહચતા હોય છે. અને માનવી તેમજ પશુ પર હુમલાઓ કરતા હોય તેમ એક માસ પહેલા દ્રોણ ગામે ખેતરમાં મજુરો સુતા હતા. ત્યારે દીપડાએ બેન-ભાઇ પર હુમલો કરી ઇજા કરી હતી. ત્યા ફરી દ્રોણ ગામમાં આવેલ મકાનની ઓસરીમાં સુતા હતા ત્યારે દીપડાએ રાત્રીના સમયે હુમલો કરી દેતા લોહીલોહાણ હાલતમાં કરી દેતા ઇમરજન્સી ૧૦૮ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોચી સારવાર આપી હોસ્પીટલે ખસેડાયેલ હતા.
ગીરગઢડાના દ્રોણ ગામમાં રહેતી મહિલા ધનીબેન સોમતભાઇ જોળીયા પોતાના મકાનની ઓસરીમાં સુતા હતા. ત્યારે મોડી રાત્રીના ૧ વાગ્યાની આસપાસ નિંદ્રાધીન મહીલા પર દિપડાએ હુમલો કરતા રાડારાડ કરવા લાગતા આજુબાજુમાં રહેતા લોકો જાગી જતાં દીપડો ત્યાથી નાશી છુટ્યો હતો. અને રહીસોએ તાત્કાલીક ૧૦૮ ને જાણ કરતા ગીરગઢડાની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી જગદિશ મકવાણા અને પાયલોટ ધનસુખ વાજા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને દિપડાએ મહીલાના બંને પગમાં નોર મારી દેતા લોહીલોહાણ હાલતમાં કરી દીધેલ હોય ઇજાગ્રસ્ત મહીલાને ૧૦૮ના કર્મચારીએ પ્રાથમિક સારવાર આપતા લોહી નિકળતું બંધ કરી આપેલ અને મહીલાને વધુ સારવાર માટે ગીરગઢડા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા. મહીલાને તાત્કાલીક સારવાર આપી અને જીવ બચાવી લેતા તેના પરીવારજનોએ ઇમરજન્સી ઇમ્બ્યુલન્સ ૧૦૮ ના કર્મચારીનો આભાર માન્યો હતો. આમ અવાર નવાર આ વિસ્તારમાં દીપડાની રંજાડ હોય અને માનવ જીંદગી પર જોખમ મંડાયેલ હોય વનવિભાગ દ્વારા તાત્કાલીક આવા ખૂંખાર દીપડાને પાંજરે પરવા આ વિસ્તારના લોકોની માંગણી ઉઠવા પામેલ છે.


