સિદ્ધપુર
પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુધ્ધ ઝુંબેશ હાથ ધરાતાં પાટણ જિલ્લામાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોમાં હિંમત આવીને પાટણ જિલ્લામાં ૯ ફરિયાદ નોંધાઇ હતી ત્યારે સિદ્ધપુરના લુખાસણ ગામે પશુપાલકે ભેંસો ખરીદવા વ્યાજે લીધે રૂ.દોઢ લાખ ૮ મહિનામાં ભેંસો વેચીને રૂ.૨,૨૨,૫૦૦ ચુકવ્યા છતાં વ્યાખોરની આકરી ઉઘરાણી કરીને રૂ.૫લાખ હજી બાકી છે તેમ કહીંને પશુપાલકે સિક્યોરીટી પેટે આપેલ ચેકમાં રૂ.૯૦૦૦૦૦ ભરીને બેન્કમાં બાઉન્સ કરાવીને સિદ્ધપુર કોર્ટ કેસ દાખલ કર્યો હતો. પશુપાલકે સિદ્ધપુર પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી. લુખાસણ ગામે રહેતાં પશુપાલક જેઠાભાઇ લાલાભાઇ પ્રજાપતિએ ભેંસો લાવવા તા.૧૦-૦૧-૨૦૧૯ના રોજ પટેલ વિષ્ણુભાઇ કાંતીભાઇ રહે. સિદ્ધપુર પાસેથી રૂ.૧,૫૦ લાખ માસિક દોઢ ટકા વ્યાજે લીધા હતા. તેના સિક્યોરીટી પેટે બે ચેક રૂ.૧,૫૦,૦૦૦ લખાવી તેમાં જેઠાભાઇની સહી કરેલ હતી. રૂ.૬૦૦૦ વ્યાજ કાપી રૂ.૧,૪૪,૦૦૦ આપેલા હતા. ત્યારબાદ જેઠાભાઇએ તા.૧૦/૦૧/૨૦૧૯થી તા.૨૮/૦૮/૨૦૧૯ સુધીમાં ભેંસો વેચીને રૂ.૨,૨૨,૫૦૦ રોકડા ચુકવી દીધા હતા. છતાં વિષ્ણુભાઇ પટેલે ઉઘરાણી ચાલુ રાખી હજી વ્યાજ સહીત રૂ.૫ લાખ લેવાના બાકી નીકળે છે. તેમ જણાવી અવાર નવાર ખેતરે આવીને જેઠાભાઇ અને તેમની પત્ની પાસે કડક ઉઘરાણી કરીને જેમફાવે તેમ બોલીની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં જેઠાભાઇએ સિદ્ધપુર પોલીસ મથકે પટેલ વિષ્ણુભાઇ કાંતીભાઇ રહે.સિદ્ધપુર સામે ફરિયાદ નોંધાવતાં તપાસ અધિકારી પીએસઆઇ પી.એમ.બોડાણા હાથ ધરી હતી. વિષ્ણુભાઇ પાસેથી જેઠાભાઇએ વ્યાજે પૈસા લેતી વખતે સહીવાળો કોરો ચેક આપેલો હતો. તે ચેક તેઓએ જેઠાભાઇની જાણ બહાર ૨કમ રૂ.૯,૦૦,૦૦૦ લખી વિપુલભાઇ કાંતીભાઇ પટેલ રહે.બિલીયા તા.સિધ્ધપુરના રણુજ નાગરીક બેન્કના ખાતામાં નાખતા બાઉન્સ થયો હતો. જે અંગે જેઠાભાઇ ઉપર સિદ્ધપુર સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાવેલ છે.


