ગાંધીનગર
દહેગામ ઈસનપુર ડોડીયા ગામે આવેલ સ્ટુનિકા પ્લાયવુડ નામની બંધ કંપનીમાં તસ્કરોએ ત્રાટકી કેન્ટીનમાંથી ચેમ્બરની સાત મોટરો, હાઈડ્રોલિક લારી, એલઈડી ટીવી, કેબલ વાયર મળીને ૮૮ હજાર ૫૦૦ નો મુદામાલ ચોરીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેગામના ઈસનપુર ડોડીયા ગામમાં આવેલ સ્ટુનિકા પ્લાયવુડ કંપનીમાં ઇલેક્ટ્રીકલ મેઈન્ટેનન્સ તરીકે નોકરી કરતાં મનોજકુમાર વિનુસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ ઉક્ત કંપનીમાં કઈ બંધ થઈ જાય તો તે જાેવાનું કામ તેઓનું છે. જેમની સાથે કાન્તી જવાનજી ચૌહાણ પણ નોકરી કરે છે.આ કંપની દિવાળી અગાઉથી બંધ છે. આ કંપનીમાં કોઇ સિક્યુરીટી રાખેલ નહીં હોવાથી રાત્રીના સમયે કોઈ હાજર રહેતુ નથી. શુક્રવાર સવારના પોણા આઠ વાગે મનોજકુમાર સ્ટુનિકા પ્લાયવુડ કંપનીમાં હાજર હતો. તે વખતે કંપની ભાડે રાખનાર બકુલભાઈ તથા તેમની સાથેના માણસો લઈને આવ્યા હતા. અને કંપનીમાં સાફ-સફાઈ કરી સાંજના સાત વાગે કામ પૂરું થતાં મનોજકુમારે ગેટને તાળું માર્યું હતું. જ્યારે ગઈકાલે કંપની ઉપર પહોંચતા માલુમ પડેલું કે કેન્ટીનનું તાળું તૂટેલું હતું. જેમાં રાખેલ ચેમ્બરની મોટર (લીલા લાકડા સુકવવાનુ મશીનની મોટર) નંગ-૭, એલ.ઈ.ડી ટીવી, હાઈડ્રોલીક લારી, ૧૫૦ મીટર કેબલ વાયર ચોરાઈ ગયો હતો. આથી વધુ તપાસ કરતા ઓફિસનાં દરવાજાનું તાળુ તોડી અજાણ્યા ઈસમો ત્રણ હજારની કિંમતની પેપર ડિસો પણ ચોરી ગયા હોવાનું વધુમાં બહાર આવ્યું હતું. આ મામલે મનોજકુમારે તેના શેઠની સૂચના મુજબ ફરિયાદ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


