લાખોની ખનીજ ચોરી પકડી 8 ટ્રકો પકડી પાડયા : ખનીજ માફિયાઓમાં ફફડાટ
જેતપુર, તા.21
જેતપુરના અમરનગર રોડ વિસ્તારમાંથી રોયલ્ટી ભર્યા વગર ખનીજ વહન કરી જતાં 8 શંકાસ્પદ ટ્રકને કબજે કરી ગોંડલના ડેપ્યુટી કલેકટરે રૂ. 15 લાખથી વધુનો દંડ ફટકારતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સૌથી વધુ આશ્ચર્યની વાત એ બહાર આવી છે કે, સંબંધિત ખાણ અને ખનીજ ખાતાની મીઠી નજર તળે અહી રોયલ્ટી ભર્યા વગર ખનીજની હેરફેર અને ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર શહેરના અમરનગર રોડ વિસ્તારમાં અમુક સ્થળોએ ગેરકાયદેસર રીતે બેલા ભરેલ ગાડીઓ ઊભી રહેતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ ગોંડલના ડેપ્યુટી કલેકટર ખાનગી રાહે જેતપુર પહોંચ્યા હતા. અને ફરિયાદ વાળા અમરનગર રોડ પર તપાસ કરતાં એક સાથે 8 ટ્રકોમાં ખનીજનો જથ્થો હોવાનું માલૂમ પડતાં તેઓએ તાત્કાલિક સ્થાનિક મામલતદાર અને પોલીસની ટીમોને બોલાવી આઠેય ટ્રક પોલીસ ગ્રાઉન્ડમાં ઊભા રખાવી દીધા હતા. પોલીસ ગ્રાઉન્ડ ખાતે પહોંચેલી તમામ ટીમે તપાસ કરતાં કુલ આઠ ટ્રકોમાંથી ૭ ટ્રકોમાં સફેદ પથ્થર (બેલા) અને ૧માં બ્લેક ટ્રેપ (કાળો પથ્થર) ભરેલ હોય તમામ ટ્રકો અંદાજીત રૂા. ૧.રર કરોડનો મુદામાલ જપ્ત કરતાં ખનીજ માફિયાઓમાં દોડધામ થઈ પડી હતી. બીજી બાજુ રોયલ્ટી વગરનું ખનીજ મળતા ડેપ્યુટી કલેકટર અંદાજે રૂ. 15 લાખથી વધુનો દંડ ફટકારે તેવી ગતિવિધિઓ ચાલુ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જેતપુરના અમરનગર રોડ પર આવી રીતે સફેદ બેલાની ખનીજ ચોરી લાંબા સમયથી વ્યવસ્થિત સંબંધિતો સાથે આર્થિક મિલીભગત રચીને કરાતી આવતી હોવાના જાણકારોના આક્ષેપો છે. આવી ફરિયાદો વ્યાપક બની જતાં ગોંડલના ડેપ્યુટી કલેકટર જેતપુરમાં ત્રાટક્યા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે જેતપુરમાં આવી ખનીજ ચોરી થતી હોવા છતાં આંખ આડા કાન કરનાર ખાણ અને ખનીજ ખાતાના લાગતાં વળગતાં અધિકારીઓએ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હોવાથી આટલી રકમની રિકવરી આવા ખાઉધરા અધિકારીઓ પાસેથી કરાવીને આકરા શિક્ષાત્મક પગલાં ઉચ્ચ સત્તાધીશોએ ભરવા જોઈએ તેવું જાણકારો કહે છે.
હરેશ ભાલીયા જેતપુર


