Gujarat

ભગતસિંહ યુવા ગ્રુપ-સાવરકુંડલા  દ્વારા તારીખ ૨૩ મી માર્ચ અર્થાત્ શહીદ દિન નિમિત્તે દેશભક્તિ ગીત અને ભારતના વીર સપૂતોની અમરગાથા કાર્યક્રમનું જોરદાર આયોજન કરવામાં આવ્યું… અને એ રઢિયાળી રાતે કસુંબલ રંગની ધારાઓ વહી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા. ૨૩ માર્ચ શહિદ દિન નિમિત્તે  મા ભોમની રક્ષા કાજે ભારતના વીર બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવન કુરબાન કરી દીધા  તેવાં વીર શહીદ વીરોની ગાથાના કાર્યકમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડ, મનસુખભાઈ વસોયા, રેખાબેન વાળા, રણધીરભાઈ વિછીયા, સુરેશ મહેતા સહિતના લોકસાહિત્યકારોએ દેશભક્તિના ગીતો, દુહા-છંદોની રમઝટ બોલાવી હતી. વીરરસની છોળો વચ્ચે શૌર્ય અને દેશપ્રેમની વાતોએ દેશપ્રેમીઓના દિલ ડોલાવ્યા..બીજા શબ્દોમાં કહીએ તો  કસુંબલ રસની રસધાર વહી.. આમ
આઝાદ ભારતના શહીદોની કથા વર્ણવીને રઢિયાળી રાતને પણ કસુંબલ બનાવી દીધી આમ તો આ વીર શહીદોની યાદમાં વીર શહીદોને સ્મરણાંજલિ અર્પી લોકોમાં દેશપ્રેમની ભાવનાઓ વધુ પ્રદિપ્ત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ માનવમેદનીમાં દેશપ્રેમનો એક અનોખો જુવાળ જોવા મળ્યો. જ્યારે ડાયસ પર ઉપસ્થિત તમામ લોકસાહિત્યકારોએ તેની અદ્ભૂત શૈલીમાં વીરરસનું રસપાન શ્રોતાજનોને  કરાવ્યું ત્યારે  વીર શહીદોની અમર ગાથાના ગાન સમગ્ર નભોમંડળમાં ગુંજી ઉઠ્યા હતાં . આ કાર્યક્રમમાં રણધીરભાઈ વિછીયા, રેખાબેન વાળા, સુરેશભાઈ મહેતા, દેવાયત ખવડ, મનસુખભાઈ વસોયા વગેરે લોકસાહિત્યકારોએ દુહા છંદની રમઝટ બોલાવી ત્યારે સમગ્ર માનવમેદની પણ શૌર્ય રસથી ઝૂમી ઉઠી  હતી. કાર્યક્રમને તમામ લોકસાહિત્યકારોએ એવો રોચક અને રસપ્રદ બનાવ્યો કે કાર્યક્રમ દરમિયાન લોકસાહિત્યકારોને બિરદાવવા જાણે ચલણી નોટોનો વરસાદ જ થયો. આમ  સાવરકુંડલા ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા દેવળા ગેટ મેલડી ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં  હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને જંગી જનમેદની વચ્ચે કલાકારો દ્વારા દુહા-છંદની રમઝટ બોલાવતા સાવરકુંડલાની ખમીરવંતી જનતાએ  તમામ લોકસાહિત્યકારોને હર્ષથી વધાવી લીધાં હતાં. આમ તો દેશપ્રેમનો અર્થ જ પ્રામાણિકપણે જીવન વ્યતીત કરવું અને અન્યાયની સામે કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર ઝઝૂમવું. એકંદરે આ કાર્યક્રમે દેશપ્રેમનું  એક અનોખું દ્ર્ષ્ટાંત પૂરૂં પાડ્યું છે..
વિશેષ કશું નહીં કહેતા  સાવરકુંડલા શહેરના દેશપ્રેમીઓની આ તસવીરો જ ઘણું બધું કહી જાય છે.

IMG-20230324-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *