પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળવિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ માસમાં જનજાગૃતિ માટે પોષણ પખવાડીયાની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત તા.૨૦ માર્ચ થી ૩ એપ્રિલ ૨૦૨૩ સુધી પાંચમાં પોષણ પખવાડિયાની ઉજવણી થઇ રહી છે.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મલેટ વર્ષ તરીકે જાહેર કર્યું છે. જે ધ્યાને લેતાં આ પોષણ પખવાડિયાની ઉજવણીમાં મિલેટનો પ્રચાર-પ્રસાર અને તેના ઉપયોગ અંગેની જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવેલ છે. આ પોષણ પખવાડા દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન થીમ પર થઇ રહ્યું છે. જેમાં મુખ્ય પોષણ-સુખાકારી માટે શ્રીધાન્ય (મિલેટ)નો પ્રચાર અને લોકપ્રિયતા વધારવી, જિલ્લામાં સ્વસ્થ બાલક સ્પર્ધાની ઉજવણી, સક્ષમ આંગણવાડીનો પ્રચાર-પ્રસાર કરવો સહિતની થીમ નિર્ધારિત કરવામાં આવી છે.
આ પોષણ પખવાડાના ઉદેશ્યને ચરિતાર્થ કરવામાં માટે જૂનાગઢ જિલ્લામાં જુદા-જુદા વિભાગો સાથે કન્વર્જન્સથી ૧૦ ઘટકો તેમજ ૧૨૪૯ આંગણવાડી કેન્દ્રો ખાતે થીમ મુજબ જુદા જુદા વિવિધ જન જાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં આંગણવાડી કેન્દ્રો ખાતે અનાજ અને કઠોળ તેમજ શાકભાજીની રંગોળી બનાવી, THR તથા મિલેટ ધાન્યમાંથી વિવિધ વાનગીઓ બનાવીને વાનગી નિદર્શનનું આયોજન કરાયું. તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે સ્વસ્થ બાલક સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે સક્ષમ આંગણવાડીનો પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ નવા બનેલ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં સમુદાય આધારિત કાર્યક્રમો (CBE), વર્કરબહેનો દ્વ્રારા પ્રભાતફેરી, કિશોરીઓ સાથે મિટીંગો, ગૃહ મુલાકાતો, સ્થાનિક આગેવાનો સાથે મિટીંગ, પોષણને લગતા વર્કશોપનું આયોજન, VHSND, સ્તનપાન કરાવતી માતાઓની મીટીંગ, મુલાકાત, પૂરક આહાર વિશેની વિશેષ સમજુતી તેમજ પોષણના પાંચ સૂત્ર (પ્રથમ ૧૦૦૦ દિવસ, હાથ ધોવા, સ્વચ્છતા, ઝાડા, એનિમિયા) સમજુતી, ECCE પ્રવૃતિઓ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. તેમ જૂનાગઢ જિલ્લા આઇસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.


