Gujarat

જેતલસર ગામે બંધ મકાનમાં ત્રાટકેલા  તસ્કરો રૂ. 70-80 હજાર રોકડ ઉસેડી ગયા  

જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદની ચાલતી તજવીજ
જેતલસર ગામે રહેતા દિલીપભાઈ શામજીભાઈ ભુવા પરિવારજનો સાથે તા. 1લી એપ્રિલના રોજ જાત્રાએ નીકળ્યા હતા. તા. 2 ની રાત્રિના દિલીપભાઈનું બંધ મકાનનો મોકો જોઈને તસ્કરો તેમના ઘરમાં ત્રાટક્યા હતા. અને એક થેલામાં રાખેલા રૂ. 70 થી 80,000 ચોરી કરી નાસી ગયા હતા. ગામમાં વ્હાઇટ હાઉસ નામના બાબરિયાભાઈના મકાન સામે આવેલ દિલીપભાઇ ભૂવાના મકાનનો પાછળનો દરવાજો પાડોશીઓ ખુલ્લો જોતા દિલીપભાઇના ભત્રીજા વિપુલ મનસુખભાઇ ભૂવાને જાણ કરાઇ હતી. દરમિયાન ઘરમાં પ્રવેશ કરી તપાસ કરાતા તસ્કરો થેલામાંથી ઉપરોકત રકમ ચોરી ગયાનું બહાર આવ્યું છે.
હાલ મકાન માલિક દિલીપભાઇ ભૂવા આઉટ ઓફ સ્ટેટ હોવાથી તેમના ભત્રીજા વિપુલભાઈએ જેતપુર તાલુકા પોલીસ થાણે પહોંચીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ એ. એન. ગાંગડા દ્વારા ફરિયાદ લેવાની ગતિવિધિઓ શરૂ કરી દેવાઈ છે. ડોગસ્કવોડ અને એફએસએલની મદદ લઈને તસ્કરોના સગડ મેળવવા કવાયત આદરાઈ છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ આ ચોરીના બનાવમાં કોઈ જાણભેદુ જ હોવો જોઈએ. તપાસનો ધમધમાટ જેતપુર તાલુકા પોલીસ શરૂ કર્યો છે.
( ફોટો હરેશ ભાલીયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *